રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. ‘સૌની યોજના લિંક 1‘ મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં સ્થિત સસોઈ ડેમમાં અંદાજિત 100 એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો ઉદ્દેશ છે કે ગુજરાતના દરેક ગામડે ગામડે નર્મદાના નીર પહોંચે. ખેડૂતોની સુખાકારી થકી જ દેશની સુખાકારી- આ જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. આજે સરકાર દ્વારા ‘સૌની યોજના‘ અંતર્ગત રૂ. 1200 કરોડથી પણ વધુના ખર્ચે સૌરાષ્ટ્ર- કચ્છના અંતિમ ગામોમાં પણ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યાં છે. આજે ઉત્તર ગુજરાતમાં પણ ‘સુજલામ સુફલામ યોજના‘ થકી નર્મદાનાં નીરનાં વધામણાં કરવામાં આવ્યા છે. જામનગરમાં વર્ષમાં એક વાર જ નહીં, પરંતુ જયારે પણ જરુર પડશે ત્યારે પાણી પહોંચાડવામાં આવશે. દરિયામાં જતાં કિંમતી પાણીને અટકાવવા માટે સૌની યોજના એ આપણા સૌ માટે આશીર્વાદ સમાન છે.
આ કાર્યક્રમમાં જામનગર મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી ચેરમેન શ્રી ડો. વિનુભાઈ ભંડેરી, જામ્યુકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કનખરાભાઈ, શાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન મહેતા, દંડક શ્રી કેતનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજયભાઈ ખરાડી, જાડા પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હરદયાભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી આર.જે. અકબરી, મદદનીશ ઈજનેર શ્રી આર.બી. નંદાણીયા, સરપંચ શ્રી હરેન્દ્દસિંહ, ઉપસરપંચ શ્રી ઇંદ્રજીતસિંહ, શ્રી કિરીટસિંહ જેઠવા, શ્રી મહેન્દ્રસિંહ વાઢેર, શ્રી અજીતસિંહ જાડેજા, શ્રી રણછોડભાઈ, શ્રી નિકુંજસિંહ, શ્રી કુલદીપસિંહ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

