જામનગર
ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા સ્વચ્છતા અભિયાન સંદર્ભેની મિટિંગમાં કલ્યાણપુર તાલુકાના રાવલ નગરપાલિકાના ચાર કર્મચારીઓ મોટરકાર મારફતે જઈ રહ્યા હતા. રાવલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ સિંગરખીયા સહિતના કર્મચારીઓ કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખંભાળિયા–જામનગર હાઈવે પર મીઠોઈ ગામના પાટિયા પાસે કંપની નજીકના ડાઈવર્ઝન નજીક સીંગલ રસ્તો હોવાથી સામેથી આવી રહેલી એક અર્ટીગા કાર સાથે આ બલેનો મોટરકારની ટક્કર થઈ હતી. જેમાં બેઠેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતમાં કારમાં ફસાયેલા નીતિન કાગડીયા નામના યુવાનનું ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ કારસવારને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજભાઈ સિંગરખીયાનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં રાવલના કર્મચારીઓની બલેનો સાથે નડિયાદ તરફથી આવતી અર્ટિગા કાર અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેની પાછળ આવી રહેલી એક ટાવેરા મોટરકાર પણ ટકરાઈ હતી. જેમાં મહિલાઓ સહિત પાંચેકને નાની-મોટી ઇજાઓ સાથે આ મુસાફરોને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આ માર્ગ પરથી પસાર થયેલા ખંભાળિયા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢાએ ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર આપવા માટે જરૂરી મદદ કરી હતી. ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા પાલિકાના સીનીયર કલાર્ક જે.બી. ડગરા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામનગર પહોંચાડવામાં આવ્યા હતા. આ બાબત રાવલ નગરપાલિકા સ્ટાફને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બનાવની કરૂણતા તો એ હતી કે બંને મૃતક યુવાનો નગરપાલિકાના હંગામી કર્મચારી તરીકે વર્ષોથી ફરજ બજાવતા હતા અને ગાંધીનગર ખાતે મીટીંગ હોવાથી નીકળેલા આ કર્મચારીઓની અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવની જાણ થતા રાવલ નગરપાલિકાના રાકેશભાઈ થાનકી તથા અન્ય કર્મચારીઓ મૃતદેહને વતન લઈ જવા માટે ખંભાળિયા તથા જામનગર પહોંચ્યા હતા. આ બનાવે રાવલ નગરપાલિકા સ્ટાફ સાથે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મીઠોઈ ગામના પાટિયા પાસે ત્રણ કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકાના બે કર્મચારીઓના કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય સાતથી વધુ લોકો ઘાયલ થયા હતા. ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાન અંગે મિટિંગ હોવાથી કર્મચારીઓ ત્યા જઈ રહ્યા હતા. ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો.
