રામનવમીની હર્ષોલ્લાસ સાથે જૂનાગઢમાં કરવામાં આવી ઉજવણી.
સાગર નિર્મળ
જૂનાગઢ
11/04/2022
જૂનાગઢ શહેરમાં સનાતન ધર્મના રામનવમીનો આ દિવસ ખુબજ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, વહેલી સવારથી જ ભગવાન શ્રી રામનાં દર્શન માટે જૂનાગઢનાં મંદિરમાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
જૂનાગઢમાં ઠેર ઠેર જગ્યાઓ અને મંદિરોમાં ખુબજ સરસ પ્લોટનું આયોજન કરવામાં આવે છે. રસ્તે ચાલતાં રાહદારીઓ અને રામભકતો માટે ખાસ સરબત, ઠંડુ પાણી, ચા, કોફી, છાશ અને પ્રસાદ માટેના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવેલ હોય છે તેમજ વહેલી સવારથી જ વિતરણ પણ કરવાની શરુઆત થાય છે.
સમગ્ર ભારતમાં રામનવમીનુ આગવું મહત્વ તો છે જ તેમાં પણ જૂનાગઢમાં દિવાળીના તહેવાર કરતા પણ વધુ માત્રામાં લોકોનો ઉત્સાહ જોવા મળે છે.
શ્રી હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા જૂનાગઢનાં મુખ્ય માર્ગ પરથી કાઢવામાં આવી હતી. કોરોના મહામારી પછી જનજીવન સામાન્ય થતા બે વર્ષ બાદ હર્ષલ્લાસ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષ રાજાધિરાજ ભગવાન શ્રી રામની શાહી સવારી માટે હાથીની અંબાળી ધર્મપ્રેમી જનતા માટે ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
જૂનાગઢમાં લાખો લોકોની જનમેદની વચ્ચે રામજન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં પાંચ કલાક કરતાં પણ વધુ સમય સુધી શોભાયાત્રા નીકળી હતી ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા અને કાયદો જાળવવા જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જહેમત ઉઠાવી હતી.


