જુનાગઢ
માણાવદર તાલુકાના બાંટવામાં આવેલા ગોડાઉનોમાં અનધિકૃત રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી એસઓજી પી.આઈ. એ.એમ.ગોહિલ સહિતના સ્ટાફને મળી હતી. જેથી તેમણે પુરવઠા વિભાગના નાયબ મામલતદાર તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખી બાંટવામાં કૃષ્ણપરામાં સરકારી દવાખાના પાસે આવેલા દેવા માંડા રબારી અને મંગુ ગોસ્વામી હસ્તકના ગોડાઉન પર રેઇડ કરી હતી. જ્યાંથી ૭૭૫૦ કિલો ઘઉં ભરેલો અને ૭૮૫૦ કિલો ચોખા ભરેલી એક ટ્રક મળી આવી હતી. જ્યારે ભડુલા રોડ પર આવેલા જયસિંહ લખધીર સિંહ પરમાર હસ્તકના ગોડાઉનમાંથી ૧૧ હજાર ૭૫૦ કિલો ઘઉં અને ૨૪૦૦ કિલો ચોખા તેમજ મંગાભાઈ ગોસ્વામી હસ્તકના ગોડાઉનમાંથી ૩ હજા૨ કિલો ઘઉં અને ૫૩૫૦ કિલો ચોખા મળી કુલ ૨૨ હજાર ૫૦૦ કિલો ઘઉં અને ૧૫ હજાર ૬૦૦ કિલો ચોખા અનધિકૃત મળી આવ્યા હતા. એસઓજીની ટીમે કુલ રૂ. ૭.૯૩ લાખનો અનધિકૃત અનાજનો જથ્થો તેમજ દસ લાખની કિંમતના બે ટ્રક મળી કુલ રૂ.૧૭.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આગળની કાર્યવાહી માટે બાંટવા પોલીસના હવાલે કરી દેતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાટવા પંથકમાં સરકારી અનાજ વિતરણમાં ગોલમાલ થતી હોવાની વ્યાપક લોક ચર્ચાઓ વચ્ચે પોલીસે કરેલી કાર્યવાહીથી ચકચાર પ્રસરી છે.જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવામાં આવેલા ત્રણ ગોડાઉનમાં એસઓજીના સ્ટાફે દરોડા પાડી ત્યાંથી રૂ.૭.૯૩ લાખનો અનધિકૃત ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લઈ બાંટવા પોલીસના હવાલે કર્યો છે. સરકાર દ્વારા મફતમાં અનાજ વિતરણ થઈ રહ્યું હોઇ તેવા સમયે આ જથ્થો ગેરવલ્લે જઈ રહ્યો હોવાની ચર્ચાઓએ જાેર પકડ્યું છે.


