Gujarat

 જૂનાગઢ જિલ્લાના કુલ ૫૪ શાળાના પ્રથમ અને બીજા ધોરણના ૧૫૫૬ બાળકોના હાથી પગાના નિદાન ટેસ્ટ કરવામાં આવશે       

હાથીપગા  રોગ નિર્મૂલન કાર્યક્રમો અંતર્ગત જૂનાગઢ જિલ્લાની કુલ ૫૪ શાળાના પ્રથમ અને બીજા ધોરણના કુલ ૧૫૫૬ બાળકોની હાથીપગાના નિદાન માટે ત્રીજો તબક્કો તારીખ ૨૨ તથા ૨૩ સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવનાર છે.

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા ૩૦ ટીમ દ્વારા બાળકોના ફાઇલેરિયા (હાથી પગા) રોગ માટે ખાસ પ્રકારની નિદાન કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવશે.

હાથીપગો મચ્છર કરડવાથી થતો એક રોગ છે. જે વુચેરિયા બેનક્રોફટી નામના કૃમિથી થાય છે. આ રોગ થી સામાન્યતઃ દર્દીનું મૃત્યુ થતું નથી પરંતુ દર્દીની જીવનભરની ખુશાલી છીનવાઈ જાય છે. અને ક્યારેક દર્દી કાયમ માટે અપંગ બની જાય છે. શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો સારવાર આપીને આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે.

આ રોગના જંતુઓ મનુષ્યના લોહીમાં રહે છે અને ઘણા વર્ષો બાદ રોગના ચિન્હો દેખાય છે. એક વાર હાથીપગાનો રોગ લાગુ પડી ગયા બાદ તેને મટાડવા માટે કોઈ ઈલાજ નથી. પરંતુ તંદુરસ્ત દેખાતા મનુષ્યના લોહીમાં આવા કૃમિ માલુમ પડે તો તેને દવા આપી તેને હાથી પગાના દર્દી બનતા અટકાવી શકાય છે.ધોરણ ૧ તથા ૨ માં અભ્યાસ કરતા ૬ અને ૭ વર્ષના બાળકોના લોહીમાં રોગના જંતુ હોઈ શકે છે. આથી ભારત સરકારશ્રીના હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત FTS (ફાઈલેરીયાસીસ ટેસ્ટ સ્ટ્રીપ) દ્વારા પસંદ કરાયેલ શાળામાં અભ્યાસ કરતા બાળકોના લોહીની તપાસ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *