સમાધાનના રૂ.2 લાખ આપ, નહિતર તારો દીકરો મારા હવાલે કરી દે, તેમ કહીં સાવરકુંડલાના મુન્ના પટોળીયાએ રેખાબેન સોલંકીને છરીનો ઘા માર્યા
જેતપુરમાં યુવાને પોતાની જ માસીને છાતીમાં છરીના ઘા મારી હત્યા નિપજાવી છે. તારા દીકરાનું મારી ઘરવાળી સાથે લફરું હતું તેના સમાધાનના રૂ.2 લાખ આપ, નહિતર તારો દીકરો મારા હવાલે કરી દે, તેમ કહીં સાવરકુંડલાના મુન્ના પટોળીયાએ રેખાબેન ભરતભાઇ ઉર્ફે કટિયો સોલંકીને છરીના ઘા માર્યા હતા. જો કે ફરાર થયેલો આરોપી રાજકોટ રૂરલ એલસીબીના હાથે રાજકોટ બસ સ્ટેશનથી પકડાઈ ચુક્યો છે અને જેતપુર સિટી પોલીસે આ મામલે આઇપીસી 302, જીપી એકટ 135 મુજબ ગુનો નોંધી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ મૃતકના પુત્ર વિધાન ભરતભાઇ સોલંકી (ઉં.વ.18) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું જેતપુરમાં નવાગઢ ખાતે બળદેવધાર ગણપતિ દાદાના મંદીરની પાછળના મારા માતા – પિતા, ભાઇઓ તથા બેહેનો સાથે રહું છું. મારા પપ્પા મજુરી કામ કરે છે. મારા માતા રેખાબેન જે ઘરકામ કરતા હતા અમે ચાર ભાઇઓ તથા ત્રણ બહેનો છીએ. જેમાં સૌથી મોટી કાજલ જેના લગ્ન થઇ ગયેલ છે. તેનાથી નાનો હું છું મારાથી નાનો ભાઇ વિશાલ તેનાથી નાનો વીકી તેનાથી નાની ભારતી તેનાથી નાની દિવ્યા તેનાથી નાનો કરણ છે.
ગઇકાલે તા.1/11/2022 ના રોજ સવારથી હું, મારા માતા, મારી કાજલબેન, મારા ભાઇઓ તથા બહેનો એમ બધા અમારા ઘરે જ હતા અને રાતના આશરે નવેક વાગ્યે અમે બધા સાથે જમીને ઘરમાં બેઠા હતા અને મારી માસી કુંકુબેનનો દીકરો રોહીતભાઇ જે અમરેલી રહે છે તે પણ અમારા ઘરે હતો ત્યારે રાતના આશરે પોણા દશેક વાગ્યાના અરસામાં મારા માસીનો દીકરો મુન્નાભાઇ કનુભાઇ પટોળીયા (ઉ.વ.33) અમારા ઘરે આવેલ અને મારા માતા સાથે બોલા ચાલી કરી કહેલ કે, મને તમે રૂપીયા બે લાખ આપો તારો છોકરાને મારી ઘરવાળી સાથે જે લફરૂ હતુ તેનો સમાધાન કરેલ તેના રૂપીયા બે લાખ મને આપો જેથી મારા માતાએ તેને કહેલ કે મારી પાસે નથી અને સમાધાનની વાત થઇ ત્યારે મેં તમને રૂપીયા આપી દીધેલ હતા. જેથી તે કહેવા લાગેલ કે, તો તારા છોકરો મને આપી દે. તેમ કહી માતા સાથે ઝગડવા લાગેલ અને મને પણ મારવા દોડેલ જેથી મારા માતા વચ્ચે પડેલ અને મારી માસીનો દીકરો રોહીત પણ વચ્ચે પડેલ તે વખતે આ મુન્નાભાઇ પટોળીયાએ તેના પેન્ટના નેફા માંથી એક છરી કાઢી મારા માતા રેખાબેનની છાતીના ભાગે બે ઘા મારી દીધેલ જેથી ત્યાં નીચે પડી ગયેલ.
મારા માતાની હત્યા નિપજાવી
જ્યારે મુન્નો ત્યાંથી ભાગી ગયેલ. મારા માતાને રિક્ષામાં લઈ અમે બધા જેતપુર સરકારી દવાખાને પહોંચતા ડોકટરે મારા માતાને મૃત જાહેર કર્યા હતા. વિધાને જણાવ્યું હતું કે, મારા માસીના દીકરો મુન્નાભાઇની પત્ની રૂપાબેન સાથે અગાઉ આજથી આશરે બે વર્ષ પહેલા અમારી બાજુમાં બળદેવધારમાં રહેવા આવેલ તે વખતે મારે રૂપા સાથે પ્રેમ સંબંધ થઇ ગયેલ અને તેની જાણ આ મુન્નાને થતાં અમારે બોલાચાલી થયેલ અને અમારા સમાજના આગેવાનો થકી ઘરમેળે સમાધાન થઇ ગયેલ ત્યારબાદ તે તેની પત્ની સાથે અહીથી સાવરકુંડલા રહેવા જતો રહેલ હતો અને આજથી આશરે એક વર્ષ પહેલા તેની પત્ની તેને મુકીને કયાંક જતી રહેલ છે. જેથી તે બનાવનો ખાર રાખી મુન્નો અગાઉ સમાધાન થયેલ તેના ખોટી રીતે રૂપીયા બે લાખ માંગતો હતો, મારા માતાએ રૂપીયા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા મુન્નાએ મારા માતાની હત્યા નિપજાવી હતી.
જેતપુર સિટી પોલીસે ફરિયાદ મુજબ ગુનો નોંધી જેતપુર પીઆઈ એ.એમ. હેરમાએ વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ રાત્રે 9 વાગ્યા બાદ બન્યો હતો. જેથી ફરાર આરોપીને પકડી લેવા તુરંત પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જેમાં એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં એલસીબીના પીએસઆઈ ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ, આઈએએસ મહેશભાઈ જાની વગેરેની ટિમ તપાસમાં લાગી હતી અને મોડી રાત્રે બસમાં બેસી સુરત તરફ ભાગી છૂટવાની ફિરાકમાં રહેલ આરોપી મુન્નાને રાજકોટ બસ સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યો હતો.


