દાહોદ
રાજસ્થાનના ૨૪ વર્ષના યુવકના ઘુંટણના સ્નાયુનું ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દર્દીને ઘુંટણના દુખાવાની તકલીફ અને ચાલતા ચાલતા પગ ફરી જવાની અથવા પડી જવાની તકલીફ લાગતા તે દર્દીએ દાહોદમાં ડોક્ટરોને બતાવ્યું હતું. પરંતુ ત્યાં કમ સે કમ ૧.૫ લાખથી ૨ લાખ નો ખર્ચ બતાવાયો હતો. ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ડિપાર્ટમેન્ટમાં બતાવ્યા બાદ તેને તારીખ ૩૦ માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યો અને ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી હતી. એક્સ-રે અને એમઆરઆઈ કરાવતાં તકલીફ વધુ જણાતા ૪ એપ્રિલના રોજ દૂરબીનની મદદથી નવો સ્નાયુ નાખી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન આયુષ્માન ભારત પ્રધામંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઝાયડસ હોસ્પિટલમાં મફત કરવામાં આવ્યું હતું. દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં દર્દીને રજા આપવામાં આવી હતી. જેના પગલે તે દર્દીએ દાહોદની ઝાયડસ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઓપરેશન ડો. નિલય કુમાર અને તેમની ટીમ તથા એનેસ્થેટિક ડો. આનંદ દરજીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
