જબુગામ
જબુગામ નજીકના વાંટા ગામે રહેતા કૃષ્ણસિહ ફતેસિંહ વાસદિયા વડાતલાવથી વાંટા પોતાની બાઈક નં જીજે ૦૬ એફઈ ૧૫૪૫ લઈને ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા. તે વખતે સામેથી આવતા ગેરકાયદેસર રેતી ભરીને જતા સ્વરાજટ્રેકટર નં. જીજે ૦૭ એએન ૬૪૬૯ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલક યુવાનને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. તેમાં બાઈક પર સવાર યુવાન માર્ગ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી વાન દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ઈજાઓ વધુ ગંભીર હોય વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જાતા ટ્રેકટર ચાલક ટ્રેકટર મુકીને નાસી ગયો હતો. બનાવ અંગે બોડેલી પોલીસ મથકમાં ફરીયાદ થતાં પોલીસે ટ્રેકટર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઓરસંગ નદી પટમાં ગેરકાયદેસર લીઝ કે રોયલ્ટી વિના ટ્રેકટરો દ્વારા પણ મોટા પ્રમાણમાં રેતી ચોરી કરવામાં આવી રહી છે. ખાણખનીજ ખાતાની થતી રેતી ચોરીઓ ઉપર ક્યારે દરોડા તંત્ર પાડશે તે જાેવાનું રહ્યું હોવાના પ્રશ્નો લોકો દ્વારા ઉઠી રહ્યા છે.


