ડાંગ
ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા અધ્યતન એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં તાલીમ મેળવી રહેલી બે દોડવીરોએ છતીસગઢ ખાતે રમાયેલી ૨હઙ્ઘ અન્ડર ૨૩ નેશનલ ચેમ્પિનશિપ ૨૦૨૨માં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી ફરી વખત ડાંગની ધરતી ઉપરથી ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દેવગઢ બારીયા એથ્લેટિક્સ લોન્ગ એન્ડ મિડલ ડિસ્ટન્સ એકેડમી દ્વારા ૧લી મે ૨૦૨૨થી ૪૦ ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. બિલાસપુર છત્તિસગઢ ખાતે અંડર ૨૩ એથ્લેટીક્સ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ્યશ્રી નવલેએ ૩૦૦૦ મીટર બાધા દોડ ૧૦.૨૭ (૧૦ મિનિટ ૨૭ સેકન્ડ )માં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. તેમજ મિત્તલ ચૌધરી ૮૦૦ મીટર દોડ ૨.૧૨ (૨ મિનિટ ૧૨ સેકન્ડ)માં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલાડીઓને તાલીમ આપી રહેલા કોચ રીડમલસિંહ ભાટ્ટીએ જણાવ્યું હતું કે, સાપુતારા લોન્ગ અને મિડલ્સ ડિસ્ટન્સ માટે ખુબ ઉત્તમ સ્થળ છે, અહીંનું વાતાવરણ ખેલાડીઓના જુસ્સા વધારવા ખુબ મહત્વનું ભાગ ભજવે છે. ખેલાડીઓ માટે રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ ઓથોરિટી પણ સારો સપોર્ટ કરે છે, સાથોસાથ સ્થાનિક તંત્રનો સહકાર સારો મળતા ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થયો છે.


