Gujarat

દહેગામમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને પોક્સોનાં ગુનામાં ૨૦ વર્ષની કેદ

ગાંધીનગર
દહેગામમાં વર્ષ – ૨૦૧૯માં ધોરણ – ૯માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરીને સ્કૂલ નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવાનાં ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ ડી મહેતાએ આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને ૧૦ હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. દહેગામ તાલુકાના એક ગામે રહેતી ધોરણ-૯માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરા ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સ્કૂલમાં અભ્યાસ અર્થે ગઈ હતી. ત્યારે સવારે સગીરા સ્કૂલની બાજુમાં આવેલા વેમપૂરાની નાળ (ઓઘા) ઉપર બાથરૂમ કરવા ગઈ હતી. એ વખતે આરોપી દશરથસિંહ ભવાનસિંહ ઉર્ફે ભાવસિંહ ઝાલા તથા વિજયસિંહ ઝાલા સગીરા પાસે ગયા હતા અને નજીકમાં નીચેના ઓઘામાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વિજયસિંહે મદદગારી કરી હતી. સ્કૂલના આચાર્યે ફોન કરતા સગીરાના પિતા સ્કૂલે ગયા હતા. જ્યાં સગીરાની બેગ ક્લાસરૂમમાં પડી હતા પરંતુ સગીરા હાજર ન હતી જેથી તેમણે દીકરીની શોધખોળ આદરી હતી. ત્યારે તેમના ગામના બોરકૂવા પર દીકરી બેઠેલી હતી. જેની પૂછતાંછ કરતાં આરોપી દશરથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત વર્ણવી હતી. જે અંગે સગીરાના પિતાની ફરિયાદના આધારે રખિયાલ પોલીસ મથકમાં આઈપીસી કલમ-૩૭૬(૩), ૧૧૪ તથા પોક્સો કલમ ૪, ૬ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવાની ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખીને પોક્સો કોર્ટનાં જજ એસ ડી મહેતાએ આરોપી દશરથસિંહ ભવાનસિંહ ઉર્ફે ભાવસિંહ ઝાલાને પોક્સોના ગુનામાં ૨૦ વર્ષની સજા અને ૧૦ હજારનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *