Gujarat

દહેજમાં ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું ધારાસભ્યના હસ્તે ઉદ્‌ઘાટન

ભરૂચ
દહેજની જીએફએલ કંપનીએ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં રૂપિયા ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે તેનું ઉદ્દઘાટન કરાયું હતું. દહેજમાં આવેલી એક માત્ર અદ્યતન હોસ્પિટલ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં જીએફએલ કંપનીએ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ રૂપિયા ૨૫ લાખના ખર્ચે ૧૦ એનએમ ક્યુબનો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા તેનો ઉદ્દઘાટન સમારોહ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુમેરા, ભાજપના જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, એપીએમસીના ચેરમેન નાગજીભાઈ ગોહિલ, વાઇસ ચેરમેન નરેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, જીએફએલ કંપનીના યુનિટ હેડ સનત કુમાર અને નીરજ અગ્નિહોત્રી તથા એચ આર હેડ સુનિલભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરી આ પ્લાન્ટના પગલે હવે દર્દીઓને ઓક્સિજનની હાલાકી ભોગવવી નહિ પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યે દહેજ વેલ્ફેર હોસ્પિટલને કાયમી ધોરણે ચાલુ રાખવા અપીલ પણ કરી હતી. કાર્યક્રમમાં જીએફએલ કંપનીએ પણ સીએસઆર હેઠળ શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *