જામનગર
ભગવાન દ્વારકાધીશનાં દ્વાર સોમવારથી ખૂલ્યાં છે. ત્યારે દ્વારકામાં વધતા જતા કોરોના કેસને લઇ દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રખાયા બાદ આજે ફરી ખુલ્યાં છે, જેથી શ્રદ્ધાળુઓ, સ્થાનિકો ઉપરાંત દ્વારકાના ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. આજે વહેલી સવારે સાડા છ વાગ્યે જગતમંદિરનાં દ્વાર ખુલ્યા બાદ મંગલા આરતીના શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. તેમજ ભગવાનને પ્રાર્થના કરી હતી કે દર્શન અર્થે ભગવાનના દ્વાર ફરી કદી બંધ ન થાય અને કોરોનારૂપી રોગ ઝડપથી દેશમાંથી નાબૂદ થાય. સ્થાનિક વેપારીઓએ પણ મંદિરની સાથે ધંધા-રોજગાર પણ ખુલતા હર્ષની લાગણી અનુભવી હતી. દરરોજ નિયમિત દર્શન કરતા ભાવિકો પણ આજે સવારથી જ રાજાધિરાજના દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. નોંધનીય છે કે ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા મંદિર ખોલવાનો ર્નિણય લેવાયો હતો. જેના પગલે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં આનંદની લહેર જાેવા મળી હતી.


