ધાનેરા
ધાનેરાના સામરવાડા પાસે આનંદપુરા પ્રાથમિક શાળામાંથી પરિવાર સાથે ઘરે જઈ રહેલા બાળકી અને તેના હાથમાં તેડેલા બાળકને નંબર પ્લેટ વગરની કારે જાેરદાર ટક્કર મારતા ૧૪ વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે ચાર વર્ષના બાળકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ કાર હંકારનારને માર માર્યો હતો. કારમાંથી પોલીસના ખાખી રંગના કપડાં મળ્યા હતા. સામરવાડા ગામની આનંદપુરા પ્રાથમિક શાળા હાઇવેની નજીક આવેલી છે. જ્યાં શનિવારે સવારે ધોરણ આઠમા અભ્યાસ કરતી ૧૪ વર્ષની બાળકીને તેના માતા-પિતા બહાર ગામ જવાનું હોવાથી પોતાના ૪ વર્ષના ભત્રીજાને લઇ બાળકીને શાળાએ લેવા માટે આવ્યા હતા. અને શાળાએથી ઘર તરફ આવતા જયશ્રીએ પોતાના પિતરાઇ નાના ભાઇને તેડી ધાનેરા-ડીસા હાઇવેનો પોતાના ઘર તરફનો રસ્તો પસાર કરી રહી હતી. જ્યારે જયશ્રીના માતા-પિતા પાછળ જ હતા. રસ્તો ક્રોસ થાય એ પહેલાં ધાનેરા તરફથી પૂરઝડપે આવી રહેલી ગાડીએ બન્ને ભાઈ-બહેનને જાેરદાર ટક્કર મારતાં જયશ્રીના હાથમાંથી તેનો ભાઈ શ્યામ છૂટી જઈ ગાડીના આગળના કાચ પર જઈ ટકરાયો હતો. જ્યારે જયશ્રી રોડ ઉપર પડતાં તેના શરીર પરથી કાર પસાર થઇ જતાં જયશ્રીનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ચાર વર્ષીય શ્યામને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. લોકએ ગાડી ચાલકને માર માર્યો હતો. ઘટનાને લઈ ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ગાડી ચાલક મુન્નો આરીફભાઈ મુસ્લા જે મૂળ લાખણીના નાંદલા ગામનો રહેવાસી છે અને ધાનેરાની ગેરેજમા કામ કરે છે તેને ધાનેરા પોલીસે ઝડપી પાડયો હતો. જયશ્રીના પિતા મેવાભાઈ માજીરાણાએ બનાવને લઈ ધાનેરા પોલીસ મથકે ગાડી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નાનકડી ૧૪ વર્ષીય બાળકીનું મોત થતા પરિવાર અને શાળામાં શોક વ્યાપ્યો છે. લોકોએ જે વિડિયો ઉતારી વાયરલ કર્યો છે તેમાં ગાડીમાંથી પોલીસની વર્ધીના કપડા જાેવા મળ્યા હતા અને આ કાર ગેરેજમાં હતી તેવું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું.
