અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ગામડાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે મોડાસાના લાલપુર ગામે આવેલ નદી પરનો કોઝવે છલકાયો હતો. જેના કારણે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ પોતાના ઘરે જવા અસમર્થ હતા, જેથી જેસીબીની મદદથી તમામ શાળાના બાળકોને અંધકારમાં સામેના તીરે પહોંચાડી રેસ્ક્યુ કરાયું હતું. ઉપરાંત જિલ્લાના ટીંટીસર ગામમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા, ઉપરાંત ગામની મધ્યમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં. આ સિવાય સજાપુરમાં એક બાઇક ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેવા સંજાેગો ઉભા થયા હતા. પરંતુ કેટલાક યુવકોએ એ તણાતા બાઇકને પ્લાસ્ટિકનું દોરડું બાંધી પાણીના સામા પ્રવાહે ખેંચી બાઇક બચાવી તેનું રેસ્ક્યુ કર્યું હતું. આમ ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલ ભારે વરસાદના કારણે બાઈકના રેસ્ક્યુના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ક્યાંક દુકાનોમાં પાણી ઘુસ્યા હતા તો ક્યાંક ખેતરો તળાવમાં ફેરવાયા હતા. વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેના પગલે કેટલાક ફસાયેલા વિદ્યાર્થીઓને જેસીબીની મદદથી સામે કાંઠે લઈ જવાયા હતા. તો સજાપુરમાં એક બાઈક પાણીના ભારે પ્રવાહમાં તણાયું હતું.

