ગોંડલ
કોરોના બાદ અભ્યાસને પહોંચેલી અસરને કારણે નબળા મનના વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી શક્તા નથી અને મોતને વહાલુ કરી રહ્યા છે. માસૂમ વિદ્યાર્થીઓ જેમણે જિંદગી જાેઈ પણ નથી તેઓ અંતિમ પગલાં લઈ રહ્યા છે. આ સાથે જ પરીક્ષામાં પણ હાર્ટ-એટેક, ખેંચ, ચક્કર આવવાના બનાવો સામે આવી રહ્યા છે.ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સાથે સ્કૂલોની પરીક્ષા પણ ચાલી રહી છે. ત્યારે ચારે તરફથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. જ્યાં હાલ ગોંડલ કુંભારવાડા વિસ્તારમા હીરાઆતાની વાડી પાસે રહેતી ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ ઘરે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. આ અંગે ગોંડલ શહેર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. અને મૃતદેહ ને પી.એમ.માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરીક્ષાના ભોગે આયખું ટૂંકાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજથી ૨ દિવસ પૂર્વે રાજકોટ શહેરમાં બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. અને પરીક્ષાને પ્રથમ દિવસે ઝેરી દવા પીધા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ જ રીતે આજથી એક સપ્તાહ પહેલા રાજકોટમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિનીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાત જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી.


