નવસારી
નવસારી જિલ્લામાં આવેલી અનેક ૫૦થી લઈને ૧૦૦ વર્ષ જૂની શાળાઓ જર્જરિત બની છે. જેમાં શિક્ષણકાર્ય શરૂ રાખવું જાેખમી બન્યું છે જેને લઇને અનેક શાળાઓએ નવા ઓરડા બનાવવાની માંગ કરી હતી. જે પૈકી ગણદેવી તાલુકામાં આવેલી ત્રણ શાળાઓમાં ૨૧ ઓરડાની મંજૂરી મળતા શિક્ષણ વિભાગ અને વાલીઓ સહિત બુદ્ધિજીવી વર્ગમાં રાહતની લાગણી ફેલાઈ છે. નગરની ગાયકવાડી બાંધણી ધરાવતી પ્રાથમિક કન્યાશાળા જૂનુ મકાન અતિ જર્જરિત થઇ જતાં આ શાળામાં ભણતા બાળકોને ગણદેવીની પ્રાથમિક તેલુગુ શાળાના મકાનમાં બેસાડવાની હાલ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મકાન સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી છે. તેલુગુ શાળાની અંદર બે પાળીમાં કન્યા શાળાના વિદ્યાર્થિનીઓને ભણાવવા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણદેવી નગરની પ્રાથમિક કુમારશાળા, પ્રાથમિક કન્યાશાળા અને કસબાવાડીની પ્રાથમિક શાળાના મકાનો જર્જરિત બન્યા છે. ગણદેવી પ્રાથમિક કન્યાશાળાનું મકાન તો સંપૂર્ણપણે ખાલી કરી નગરની તેલુગુ શાળાના મકાનમાં બાળકોને તબદીલ કરવામાં આવ્યા છે. ધ.ના. ભાવસાર કુમારશાળાનું મકાન પણ જર્જરિત થઈ ગયું છે કે ક્યારે પડી જશે એ ભય વચ્ચે બાળકોનું શિક્ષણ ચાલી રહ્યું હોવાનું શાળાના આચાર્યોએ જણાવ્યું છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લા પંચાયત અને ગુજરાત સરકારે ધ.ના.ભાવસાર કુમારશાળાના ૮, કન્યાશાળાના ૧૦ અને કસબાવાડીની પ્રા. શાળાના તમામ ૩ ઓરડા નવા બાંધી જર્જરિત મકાનોને જમીનદોસ્ત કરવાનો ર્નિણય કર્યો છે. આ અંગેની જરૂરી સૂચનાઓ પણ શાળાના આચાર્યોને આપી હોવાનું તેમણે જણાવ્યું છે અને આ શાળાના આચાર્યોએ આ માટે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.
