છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલી મણિબેન પટેલ કન્યા વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ પદ પર એક આદિવાસી મહિલા બિરાજમાન થયા છે એ આદિવાસી સમાજ ગૌરવની બાબત છે એમ કહી તેમણે આપણા મહામહિમ રાષ્ટ્રપતિના જીવનમાંથી આપણે સૌએ બોધપાઠ લેવાની જરૂર છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી સરકાર મહિલાઓના ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે એમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉપસ્થિત સૌ બહેનોને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો જાગૃતપણે લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સખી વનસ્ટોપ સેન્ટરના સંચાલક શબાનાબેને સરકારની યોજના અંગે વાત કરતા વહાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને ગંગાસ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના અંગે વિગતે જાણકારી આપી હતી.
૧૮૧-અભયમ મહિલા હેલ્પના કાઉન્સેલરે અભયમ હેલ્પલાઇન અંગે માહિતી આપી આ હેલ્પલાઇનનો લાભ કોણ કોણ લઇ શકે એ અંગે વિગતે માર્ગદર્શન આપી તેમણે અભયમ હેલ્પલાઇનના એપ અને એપના ઉપયોગ અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ લીલાબેને રાજય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપી નારી સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરી છે એમ જણાવી તેમણે મહિલા સુરક્ષા અંગે પણ વિગતે વાત કરી હતી.
શ્રીમતી મણિબહેન પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ મહિલા સશક્તિકરણ અંગે મનનીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત શાળામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્ણાબેન પાચાણીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા સ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્યાએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી તેમજ આભારવિધિ શાળાના શિક્ષકે આટોપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

