મ.ન.પા સંચાલિત આંગણવાડી કેન્દ્રનાં બાળકો લીમડાની છત્રછાયામાં, પીવાના પાણીની પણ સુવિધા નથી.
ગિરગઢડા તા 1
ભરત ગંગદેવ..
ઉનાળાના તડકામાં લીમડાનું ઝાડ મ.નપા. જુનાગઢનાં આંગણવાડીનાં બાળકો માટે આશીર્વાદરૂપ.
૧૨૫ માંથી માત્ર ૪ આંગણવાડી કેન્દ્ર મંજુર, મ.ન.પા. જુનાગઢની સ્થાયી સમિતી
૧૭૯ માંથી ૧૨૫ આંગણવાડી કેન્દ્ર માટે મહાનગરપાલિકા પાસે જગ્યા જ ના હોવાથી ભાડાના મકાનમાં ચાલતા હોવાની ચોકવાનારી વિગતો મળી રહી છે.
સરકાર દ્વારા દર વર્ષે મહિલા અને બાળ વિકાસ માટે મસમોટું ભંડોળ ફાળવવામાં આવે છે તેમ છતાં મહાનગરપાલિકાની અનેક આંગણવાડીની દુર્દશા જોવા મળી રહી છે. ક્યાંક આંગણવાડી માટે સરકારી મકાન નથી તો ક્યાંક પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફથી પદાધિકારીઓ સબ સલામત હોવાનો સંતોષ માની રહ્યા છે અહી અચરજ પામે તેવી વાત એ છે કે, ૧૨૫ મકાન ભાડે ચાલતા હોવા છતાં માત્ર ૪ જ આંગણવાડી નવી બનાવવા મ.ન.પા. જુનાગઢની સ્થાયી સમિતીમાં નિર્ણય લેવાયો હતો.
જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારની આંગણવાડીનાં બાળકો માટે ક્યાંક ઉપર છત નથી તો ક્યાંક પીવાના પાણીની પણ સવલતો જોવા મળતી નથી, મળેલ વિગતો સાથેનો વિશેષ અહેવાલ
મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લા પંચાયત પાસેથી આંગણવાડી કેન્દ્રનો કબજો તો સંભાળી લીધો પરંતુ સરકારી મકાનો બનાવવામાં આવતા નથી અને ૧૨૫ આંગણવાડી કેન્દ્ર ભાડાનાં મકાનમાં છે. જે સરકારી મકાન છે તેમાં પણ બાળકો માટે પીવાના પાણીની જરૂરીયાત પૂરી કરવામાં મ.ન.પા. જુનાગઢ તંત્રની નિષ્ફળતા જોવા મળી રહી છે. તેનાથી પણ આશ્ચર્ય પામે તેવી ખાસ વાત એ છે કે આંગણવાડી સંચાલન માટે ચાલતું ઘટક એટલે કે સંકલિત બાળ વિકાસ યોજના અધીકારીની કચેરી પણ મહાનગરપાલિકા જુનાગઢ પાસે વ્યવસ્થાના અભાવે જર્જરિત મકાનમાં ચાલે છે. કુલ ૫૨ આંગણવાડી કેન્દ્ર માટે સરકારી મકાન બનાવવામાં આવ્યા છે જેમાં ૧૦આંગણવાડી કેન્દ્રમાં પાણીની સુવિધા જ નથી, ક્યાંક વરંડા અને તેના મેઈન ગેઇટ પણ જોવા મળતા નથી, તો ક્યાય જરૂરી બાગ બગીચા અને ક્ચીનગાર્ડન પણ જોવા મળતા નથી, આંગણવાડી કેન્દ્ર સુધી જતો રસ્તો પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આંગણવાડીની આજુ બાજુમાં પેવર બ્લોક સાથે પટાંગણ પણ બનાવવામાં આવ્યા નથી. બાળકો માટે રમકડાઓ તો છે પરંતુ તેને રાખવા તેમજ સાચવવા અને બાળકને રમડવા માટે ખાસ રૂમનો પણ અભાવ જોવા મળે છે. તો બીજી તરફ જુના મકાનમાં મરામત પણ થયેલ ના હોવાથી આંગણવાડી જર્જરિત થતા બંધ પડેલી જોવા મળે છે.
છેલ્લા બે વર્ષમાં મહાનગર પાલિકા જુનાગને ૭૭૦૬.૪૪ કરોડો ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ દેશના ભાવી અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા ૩ થી ૬ વર્ષના બાળકોને જાહેરમાં ખુલ્લા લીમડાના ઝાડવા નીચે બેસીને શિક્ષણ મેળવવું પડે છે. મહાનગર પાલિકાનાં પદાધિકારીઓ પર જો થોડી કમરકસે અને લોકોનો આપેલ વિશ્વાસ જાળવે અને આ સ્થાનિક લોકો ભરોસો કરીને સાર્વજનિક પ્લોટમાં ૪૫ બાય ૪૭ ચોરસમીટર જગ્યા આપે તો નવા આંગણવાડી ભવનોનું પણ નિર્માણ કરી શકાય તેમ છે પરંતુ બહુમતીથી ચુટાયેલા નગરસેવકો પોતાના વિસ્તારનાં મતદારોને સમજાવી યોગ્ય વ્યવસ્થા માટે જમીન મેળવવા અને આંગણવાડીનો વિકાસ કરવામાં નબળા પુરવાર થતા હોવાની વિગતો મળી રહી છે, આંગણવાડી માટે નગરસેવકો જો જવાબદારી સ્વેછીક સંભાળે તો જ દેશનું ભાવી અંધકારમય વાતવરણ માંથી બહાર આવે અને માસુમ ભૂલકાઓ માટે પણ આંગણવાડી કેન્દ્ર ભવનો સરકાર દ્વારા નિર્માણ થઈ શકે ૬૦ નગરસેવક સાથે મળીને દરેક નગરસેવક માત્ર ૨ આંગણવાડી માટે પ્રયત્ન કરે તો પણ મહાનગરપાલિકાની આંગણવાડીની સમસ્યાનું કાયમી નિવારણ આવી શકે..
જુનાગઢનાં જોષીપરા વિધતાનગર વિસ્તારની જોષીપરા-૬ આંગણવાડીનાં અંદાજે ૫ વર્ષથી કાર્યરત મકાનમાં જુનાગઢ મહાનગરપાલિકાનાં વોટરવર્કસ શાખા અધિકારી દ્વારા આજ દિવસ સુધી પીવના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી પટેલ હેતલબહેન જે આંગણવાડી વર્કરબહેન છે તેઓ બાળકો માટે પીવાનું પાણી પણ ઘરેથી ભરીને લાવતા નજરે જોવા મળે છે. જો કે જવાબદાર પદાધિકારી, અધિકારી અને કર્મચારીની બેદરકારીને કારણે આંગણવાડી વર્કરને વધારાની ફરજ પડી રહી છે. વાસ્તવિકતાનો તાગ મેળવતા આજ દિવસ સુધી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ધમધખતા ઉનાળામાં પીવાના પાણીની પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરેલ નથી. આંગણવાડીનાં બારી દરવાજા અને આંગણવાડીની મરામત પણ કરવામાં આવતી ના હોવાની વિગતો મળી હતી.
જુનાગઢનાં શાંતેશ્વર વિસ્તારમાં શ્રીજી નગર જોષીપરા-૧૬ આંગણવાડી કેન્દ્ર તો કાર્યરત છે અને આજુબાજુના વિસ્તારના ૫૦ કરતા પણ વધુ ભૂલકાઓને લાભ પણ મળે છે પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મકાન બનાવવામાં આવેલ ન હોવાથી આ બાળકો માટે પણ ભાડાનાં મકાનમાં ચાલતા આંગણવાડી કેન્દ્રમાં નાસ્તો બનાવવામાં આવે છે અને મકાન ખુબજ નાનુ હોય અને બાળકોની સંખ્યા ૫૦ કરતા પણ વધુ હોય ત્યારે ઉનાળામાં તાપ વચ્ચે ખુલ્લા પ્લોટમાં લીમડાના ઝાડને આશીર્વાદ રૂપ માનવામાં આવે છે., બાળકોને લીમડાનાં ઝાડ નીચે બેસાડી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપવાની ફરજ પડે છે.
આ સમગ્ર ઘટના પરથી આંગણવાડી બાબતે તંત્ર ગંભીરતા લેતું ન હોવાનો પણ ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળે છે.
જુનાગઢ મહાનગર વિસ્તારમાં દરેક સોસાયટીમાં સાર્વજનિક પ્લોટ તો છે જેમાં આજુબાજુની શાળા તેમજ જ સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ વ્યવસ્થા કરવામાં પણ આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ નગરસેવકો દ્વારા આવા સાર્વજનિક પ્લોટમાં કરોડોના ખર્ચે કરી પેવરબ્લોક નાખવામાં પણ આવ્યા છે આ સાર્વજનિક પ્લોટ મહાનગરપાલિકાને જો શોપવમાં આવે તો એક પણ આંગણવાડી ભાડાનાં મકાનમાં ચલાવવાની ફરજ ન પડે.
હવે જોવાનું રહ્યું કે આ નિદ્રાધીન તંત્ર ક્યારે જાગશે? ચુટાયેલા નગરસેવકો જનતાના હિત માટે આંગણવાડીના બાળકોને છત આપવા માટે પ્રયત્નો કરશે? શું સંપૂર્ણ સુવિધાથી ૧૨૫ આંગણવાડી કેન્દ્રનું નિર્માણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે? આ દરેક આંગણવાડી કેન્દ્રમાં શોચાલય, પીવાના શુદ્ધ પાણીની, રમતગમત માટેના મેદાન, બગીચા, કમ્પાઉન્ડની ફરતે દીવાલ અને બાળકોની સુરક્ષા માટેનાં સાધનોની વ્યવસ્થા થશે કે કેમ? આ સવાલનો જવાબ તો આવનારા દિવસોજ કહશે


