નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખાના વિશાળ મેદાનો ખાતે પાંચ દિવસીય ૭૫મા વાર્ષિક નિરંકારી સંત સમાગમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના સમાજના વિભિન્ન સ્તરના દશ લાખથી વધુ શ્રદ્ધાળુ ભક્તો તથા પ્રભુ પ્રેમી સજ્જનો સદગુરૂ વચનામૃત તથા સંતવાણીનો રસાસ્વાદ લઇ રહ્યા છે.
૭૫મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના મુખ્ય સત્રમાં ત્રીજા દિવસે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પધારેલ વિશાળ માનવ પરીવારને સંબોધન કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે પરમાત્માના પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ જ સાચી ભક્તિ કહેવાય છે અને આવી જ નિષ્કામ પ્રેમની ભાવના દરેક સંતોમાં હોય છે.ભક્ત દરેકને ઇશ્વરનું રૂપ સમજીને તમામની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે અને તેમાં તેઓનો પોતાનો કોઇ વ્યક્તિગત સ્વાર્થ હોતો નથી,આવા ભક્તોની ભક્તિમાં કોઇપણ પ્રકારના ડરનો ભાવ હોતો નથી.
પ્રેમથી કરવામાં આવેલ તમામ કાર્યોનો આધાર ફક્ત પ્રેમ જ હોય છે અને જેની પ્રેરણા પણ પ્રેમ જ હોય છે.સમર્પિતભાવથી કરવામાં આવતી સેવા હંમેશાં પરોપકારના માટે જ હોય છે.બીજી બાજું સંસારમાં આપણે જોઇએ છીએ કે જે પ્રેમ દર્શાવવામાં આવે છે તેમાં મોટાભાગે કોઇને કોઇ સ્વાર્થ છુપાયેલો હોય છે. જેવી રીતે એક નાનકડા બીજમાં છાયાદાર વૃક્ષ બનવાની ક્ષમતા હોય છે તેવી જ રીતે તમામ મનુષ્યો એક પરમાત્માનો સનાતન અંશ હોવાથી તેનામાં પરમાત્મા સ્વરૂપ બનવાની ક્ષમતા હોય છે.બીજ જ્યારે ધરતીમાંથી અંકુરીત થઇને પ્રફુલ્લિત થાય છે ત્યારે તે એક વૃક્ષનું રૂપ ધારણ કરીને પોતાના તમામ કાર્ય સારી રીતે કરે છે તેવી જ રીતે બ્રહ્મજ્ઞાનના દ્વારા મનુષ્ય જ્યારે પરમાત્માની સાથે એકરૂપ થઇને તેમના રંગમાં રંગાઇ જાય છે ત્યારે આપોઆપ જ આ માનવીય ગુણોથી યુક્ત થઇને સાચો માનવ બને છે અને પછી જ તેના જીવનમાં આત્મિયતા અને માનવતાનો સંગમ જોવા મળે છે,તેનાથી ઉલ્ટું જે મનુષ્ય આ સત્ય પરમાત્માથી વંચિત રહે છે તેના વાસ્તવિક રૂપમાં વિકાસ થતો નથી.સંત મહાત્માઓ આવા મનુષ્યોને જાગૃત્તિ પ્રદાન કરી પરમાત્માની સાથે જોડવાનું કાર્ય કરે છે કે જેનાથી તેમનું જીવન પણ માનવતાના ગુણોથી યુક્ત બને.
નિરંકારી મિશનના ૭૫ વર્ષોથી આયોજીત થતા સંત સમાગમોની શ્રૃખલાઓનું વર્ણન કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું કે સંત સમાગમોના આરંભથી જ તેમાં સહભાગી થનારા તમામ ભક્તોને જેવી અનુભૂતિ થઇ છે તેવી જ અનુભૂતિ પ્રથમવાર સંત સમાગમમાં સમ્મિલિત થનાર ભક્તોને પણ થઇ રહી છે કારણ કે આ પરમાત્માની સત્યતા હંમેશાં એકસરખી જ રહેતી હોય છે,તેનામાં કોઇ પરીવર્તન થતું નથી.આ સ્થિર પરમાત્માની સાથે સબંધ જોડવાથી ભક્તોના મનની અવસ્થા અસ્થિર બનતી નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


