ખંતથી ખેતિ કરતાં…. કોડીનારના રોણાજ ગામના વિજયભાઈ રાવલિયા
શેરડીની ૧૦ વીઘામાં ખેતિ કરી, રૂ. ૭ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો
શેરડીના પાકનું મૂલ્યવર્ધન: ઘરબેઠા ઓર્ગેનિક ગોળનું વેચાણ કરે છે
તાજેતરમાં રાજ્ય સરકારના બજેટમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવાની જાહેરાતનો રાજીપો વ્યક્ત કરતાં વિજયભાઈ રાવલીયા
આવનારી પેઢીની તંદુરસ્તી માટે પ્રકૃતિ-કુદરતના નિયમોને વળગીને રહેવુ પડશે
ગિરગઢડા
ભરત ગંગદેવ…
ખેતિ ખોટનો ધંધો છે… તેવી આજે એક ધારણા ઉભી થતી જાય છે. પણ જો વ્યવસાયિક ધોરણે અને સૂઝબૂઝ સાથે ખેતી કરવામાં આવે તો પુષ્કળ ઉત્પાદનની સાથે મોટી કમાણી પણ કરી શકાય છે. આ માટે ખેડૂતોએ થોડી ધીરજ, સાહસ અને હિંમત પણ દાખવવી પડે તેમ છે. હા…આ સાથે ખેડૂતોમાં વૈજ્ઞાનિક અભિગમની સાથે પ્રયોગશીલતા હોવી પણ અનિવાર્ય છે. તેમ માનવુ છે, ગીર સોમનાથ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતનુ સન્માન પ્રાપ્ત કરનાર વિજયભાઈ રાવલીયાનુ.
છેલ્લા પાંચ-છ વર્ષથી પ્રાકૃતિક ખેતિ કરતાં વિજયભાઈએ માત્ર ૧૦ વીઘા જમીનમાં શેરડીનુ વાવેતર કરી મબકલ કમાણી કરી છે. તેઓએ શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રૂ. ૭ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે. આમ, ખેત ઉત્પાદનનુ મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. તે વિજયભાઈએ સિદ્ધ કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના બેસ્ટ ફાર્મર ઓવોર્ડ વિજેતા વિજયભાઈ રાજીપો વ્યક્ત કરતાં કહે છે કે, તાજેતરમાં ગુજરાત સરકારે બજેટમાં પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે એક બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. આ માટે રૂ ૧૦૦ કરોડની માતબર રકમ ફાળવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પ્રાકૃતિક ખેતિ વ્યાપ ખૂબ મોટા પ્રમાણમાં વધવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ બેક ટુ બેસિકનો મંત્ર આપ્યો છે. તેને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારવા માટે વિશેષ ભાર આપી રહ્યા છે. ઉપરાતં રાજ્ય સરકારે પણ પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે ગાયના નિભાવ ખર્ચ તેમજ અન્ય સામગ્રી માટે રાજ્ય સરકારે યોજનાઓ પણ અમલમાં મૂકેલી છે. જે ખૂબ આવશ્યક અને આવકારકદાય પણ છે.
આપણે ઉજ્જવળ ભવિષ્યનુ નિર્માણ કરવા અને આવનારી પેઢીની તંદુરસ્તી માટે પ્રકૃતિ-કુદરતના નિયમોને વળગીને રહેવુ પડશે. પ્રકૃતિએ સૃષ્ટિના પોષણ માટે તમામ વ્યવસ્થાઓ કરી છે. છોડની વૃદ્ધિ માટે જંતુનાશક દવાની કે રાસાણિક ખાતરની જરૂર નથી. છોડના પોષણ માટે કુદરતે બેજોડ વ્યવસ્થા ગોઠવી છે. છોડમાં એક જીવાત કે ઈયળ આવે તેની સામે એક મિત્ર કીટક સેંકડો પાક માટે હાનિકારક જીવાતનો નાશ કરે છે. આમ, કુદરતીદત્ત રીતે જંતુનાશક દવાના છંટકાવની જરૂરિયાત નથી. આ માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવાનુ રહે છે. સાથે જ વિજયભાઈ પ્રાકૃતિક ખેતિમાં મિશ્ર પાકને પ્રાકૃતિક ખેતિનો અભિન્ન હિસ્સો ગણાવે છે.
વધુ પડતા રાસાણિક ખાતરના ઉપયોગના લીધે ભૂગર્ભ સ્તરને પણ અસર પહોંચે છે. સમયની સાથે ફળદ્ર્પતા ઘટે છે. ત્યારે પ્રાકૃતિક ખેતિની પદ્ધતિથી જમીનની ફળદ્રુપતાના વધારો થાય છે. જમીન એક દમ પોચી રહેવાથી અળસીયાના પ્રમાણમાં વધારો થાય છે. આમ પણ પાકની વૃદ્ધિ-તંદુરસ્તી માટે પાણી નહી પણ ભેજની જરૂરિયાત હોય છે. વિજયભાઈએ પ્રાકૃતિક ખેતિ માટે ૫ જેટલી ગાયો રાખી છે. છે. આ સાથે તેઓ જમીનમાં દેશી ખાતરના ઉપયોગને હિતાવહ ગણાવે છે.
રાસાણિક ખાતરની ઉત્પત્તિની રોચક વાત કરતાં વિજયભાઈ કહે છે કે, બીજા વિશ્વયુદ્ધ બાદ વધેલા દારૂગોળાને વૃક્ષો પાસે ફેંકી દેતા, આ વૃક્ષોમાં વૃદ્ધિ જોવા મળી, જેથી એવો નિષ્કર્ષ નીકળ્યો કે, આ પદાર્થોનો ખેતિમાં ઉપયોગ થઈ શકે. આમ, અનાયાસે ખેતિમાં રાસાણીક ખાતરનો ઉપયોગ શરૂ થયો.
વિજયભાઈએ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના પ્રવાસ કર્યા છે. સુભાષ પાલેકર સાહેબ અનેક શિબિરોમાં લાભ લીધો છે. પ્રાકૃતિક ખેતિનો ખૂબ ઉંડો અભ્યાસ કર્યો છે. આજે ઘણાં કાર્યક્રમોમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા પણ જાય છે. કદાચ એ ખોટુ નહિ કહેવાય કે, એક વૈજ્ઞાનિક જેટલી પ્રાકૃતિક ખેતિ વિશે સમજ ધરાવે છે. પ્રાકૃતિક ખેતિનો વ્યાપ વધે અને લોકો સ્વસ્થ્યપ્રદ ખોરાક મળે તે દિશામાં સતત પ્રયાસરત છે.
વિજયભાઈ રાવલીયા રાજેસ્થાન ઓર્ગેનિક સર્ટિફેકેશન એજન્સી (ROCA) ના માન્યતા પ્રાપ્ત પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂત છે. ઉપરાંત તેમના ઉત્પાદ FSSAI દ્વારા પ્રમાણિત છે.
વિજયભાઈ માને છે કે, આ પ્રગતિમાં શુભાષ પાલેકર સાહેબ ઉપરાંત કે.વી.કે.ના કૃષિ વૈજ્ઞાનિક અને આત્મ ટીમનુ ખૂબ મહત્વનુ યોગાદાન રહ્યું છે. તેમના તરફથી સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ મળતું રહે છે.
*વિજયભાઈ કેવી રીતે કરી મબલક કમાણી ?*
વિજયભાઈ પ્રાકૃતિક ઢબે શેરડીનુ ઉત્પાદન કરીને તેનો ગોળ બનાવે છે. એસ.ટી. વિભાગની પાર્સલ સેવા અને ખાનગી કુરિયર કંપનીઓની મદદથી તેઓ ગ્રાહકોને ઘર સુધી ગોળ પહોંચાડે છે. વિજયભાઈ કહે છે કે, ખેતિમાં સારી કમાણી કરવા માટે ખેડૂતોએ ખેત પેદાશનુ મૂલ્યવર્ધન કરવું આવશ્યક છે. લોકો ગુણવત્તાયુક્ત અને શુદ્ધ ખાવાનુ પસંદ કરે છે, જો તેમની માંગને અનુરૂપ ઉત્પાદન કરવામાં આવે તો સારી કમાણીના દ્વારા ખૂલી જાય છે.
ગોળને ગુણવત્તાયુક્ત અને શુદ્ધ બનાવવા માટે કરીને શેરડીના રસને ખૂબ ઉકાળવામાં આવે છે, જેથી પાણીનો ભાગ બળી જાય અને શુદ્ધ ગોળ જ બચે. લોકો સફેદ ગોળ તરફ વધારે આકર્ષતા પણ એટલુ યાદ રાખવુ કે, ગોળની કાળાશ જ તેની શુદ્ધતાની નિશાની છે. ગોળની સાથે આ વર્ષે જેને કાચો ગોળ કહી શકાય તેવી કાકવીનુ ઉત્પાદન શરૂ કર્યું છે. જેના આરોગ્યની દ્રષ્ટિ ખૂબ ફાયદાઓ પણ છે. ઉપરાંત પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત વસ્તુનો વ્યાજબી ભાવ હોવા પણ અનિવાર્ય છે. જેથી અમે અન્ય ગોળની સરખામણીએ ઓર્ગેનિક ગોળનો ૩૦ ટકા વધારે માર્જિન રાખીએ છીએ. જેથી લોકો સ્વાસ્થ્યપ્રદ ઓર્ગેનિક ખોરક અપનાવતા થાય.
આ વસ્તુઓના વેંચાણમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હવે થોડા અંશે પ્રચાર પણ કરી રહ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતોનુ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેના વડે પ્રાકૃતિક ખેતિ અને ઉત્પાદિત વસ્તુઓની માહિતી આપ-લે કરવામાં આવે છે. જેથી ટેલિફોનિક સંપર્કથી જ ઘણાં ગ્રાહકો મળી રહે છે.


