Gujarat

બાળકોની ઉંચાઈ માપી તેમના પોષણસ્તરને ટ્રેક કરવામાં CSR પ્રવૃત્તિ હેઠળ અપાયેલા સ્ટેડીઓમીટર ખુબ ઉપયોગી સાબિત થશે –  જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ

નાંદોદના ચિત્રાવાડી આંગણવાડી કેન્દ્રની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ
————-
ભૂલકાંઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે HPCL ની CSR પ્રવૃત્તિ હેઠળ જિલ્લાને અંદાજિત
રૂા.૨૩.૮૦ લાખના ખર્ચે ૯૫૨ સ્ટેડીઓમીટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ
————-
સ્ટેડીઓમીટરથી બાળકોની ઊંચાઈ માપી તેના સર્વાંગી વિકાસની નોંધ લેવા
જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રો બન્યા સક્ષમ
————-
             એસ્પિરેશનલ જિલ્લો નર્મદા આજે બીજા જિલ્લાઓની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે બાળકોના સર્વાંગી વિકાસમાં સુધારો લાવવાના ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન અને ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલના નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લામાં ICDS દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાની આંગણવાડીઓમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ (HPCL) વડોદરાની CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડિઓમીટર પુરા પાડી ICDS ની કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ નાંદોદ તાલુકાના ચિત્રાવાડી આંગણવાડી ખાતે મુલાકાત લઇ સ્ટેડિઓમીટર બાળકો માટે કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તેનું જાત નિરિક્ષણ કર્યું હતું.
                જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ આ મુલાકાત દરમિયાન ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, દેશની ભાવી પેઢીના તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટે પોષણક્ષણ આહાર અતિ આવશ્યક છે. નર્મદા જિલ્લામાં બાળકોના રોજીંદા ગ્રોથને માપવા માટે HPCL  દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડિઓમીટર ઉપલબ્ધ કરાવાયા છે જે બાળકોની ઉંચાઈ માપીને તેમની “હાઈટ ટ્રેકિંગ” કરી બાળકોમાં ન્યુટ્રિશનની ઉણપને ટ્રેક કરવામાં સહાયક સાબિત થશે. બાળકોના માતા-પિતાને પણ ખ્યાલ આવશે કે પોતાના બાળકને કેવા પ્રકારના ખોરાકની જરૂર છે. માતા-પિતાની સાથે આંગણવાડી કેન્દ્રો પર પણ આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોની તંદુરસ્તીની કાળજી લઇ શકાશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
             અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ HPCL – વડોદરાને મોકલાયેલી દરખાસ્ત માન્ય રાખી કંપનીએ પોતાના CSR ફંડમાંથી બાળકોની ઉંચાઈ માપવા માટે અંદાજિત રૂા.૨૩.૮૦ લાખના ખર્ચે જિલ્લાની કુલ-૯૫૨ આંગણવાડી કોન્દ્રોને સ્ટેડીઓમીટર પુરા પાડવામાં આવ્યાં છે જેમાં નાંદોદને ૧૮૪, દેડીયાપાડાને ૩૦૨, સાગબારાને ૨૦૭, ગરૂડેશ્વરને ૧૪૨ અને તિલકવાડા તાલુકાને ૧૧૭ સ્ટેડીઓમીટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
  ચિત્રાવાડી આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આ મુલાકાત દરમિયાન ICDS ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે, HPCL-વડોદરાના ચીફ મેનેજરશ્રી પવન સૈગલ, HPCL-વડોદરાના રીજનલ જનરલ મેનેજરશ્રી વિશાલ શર્મા સહિત આંગણવાડી કાર્યકર બહેનો અને નાના ભૂલકાઓ સહભાગી બન્યા હતા.

IMG-20221215-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *