બાવળા
ધોળકા તાલુકાના કોઠ ગામમાં આવેલા ખાડીયા ફળીમાં રહેતાં ઇન્દ્રજીતસિહ પવનસિહ ડાભી (ઉ.વ.૩૪) બાવળા તાલુકા પંચાયત હસ્તકનાં સાંકોડ, કવલા અને આદરોડા ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમને દોઢ વર્ષનો એક દિકરો છે. તેમણે બાવળા તાલુકાનાં છબાસર ગામની સીમમાં આવેલા વરૂડી માતાજીનાં મંદિર પાસે પોતાની કાર લઇને બપોરે અઢી વાગ્યે પહોંચીને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાંથી પસાર થતાં ગ્રામજનોએ ઓળખી જતાં આજુબાજુનાં ગામલોકો દોડી આવ્યા હતાં અને કેરાળા જી.આઇ.ડી.સી પોલીસમાં જાણ કરતાં કોન્સ્ટેબલ વાધુભા વાધેલા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતાં. હાલમાં તેમની પાસેથી કોઈપણ જાતની સુસાઇટ નોટ કે કોઈ લખાણ મળ્યું નથી. જેથી કેરાળા જી.આઈ.ડી.સી.પોલીસે હાલમાં અકસ્માતે ગુનો (એ.ડી.) દાખલ કરીને આત્મહત્યા ક્યાં કારણસર કરી છે તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાનાં સાંકોડ, કવલા અને આદરોડા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાની ગાડી લઇને છબાસર ગામની સીમમાં આવેલા વરૂડી માતાજીનાં મંદિર પાસે જઈને ઝેરી દવા ગટગટાવી જઇને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. કેરાળા જી.આઈ.ડી.સી.પોલીસે લાશનું પી.એમ.કરાવીને હાલ એ.ડી.દાખલ કરીને આત્મહત્યા શા માટે કરી તેનું સાચું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


