વડોદરા
વડોદરા સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી નેશનલ બેરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં છેલ્લા ૬ વર્ષથી નોકરી કરનાર ૪૮૦ જેટલા કર્મચારીઓને કંપનીના સંચાલકો દ્વારા કંપની બંધ કરી દેવામાં આવનાર હોવાનું બહાનું બતાવી તારીખ ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૦ ના રોજ રાતોરાત છુટા કરી દેવામાં આવ્યા હતા અને નવો કોન્ટ્રાક્ટ કંપનીનામાં લાગુ કરીને કંપની ચાલુ કરી દેવામાં આવી હતી. કંપનીના કન્ટીનમાં સારું ફૂડ આપવામાં આવતું ન હોવાથી કંપનીના ૬ જેટલા કર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન, કંપની દ્વારા કેન્ટીન અંગે રજુઆત કરનાર ૬ કર્મચારીઓને છૂટા કરી દીધા હતાં. ત્યારબાદ કંપની અમને પણ ક્યારેક કાઢી મૂકશે તેવા ડરથી અમે અમદાવાદના કેમિકલ મજદૂર યુનિયનમાં જાેડાયા હતા. જે અંગેની જાણ કંપનીને થતાં, અમને ૪૮૦ કર્મચારીઓને કંપની બંધ કરવાના બહાના હેઠળ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાતોરાત છુટા કરી દેવામાં આવ્યા હતા અને કંપનીએ બીજાે કોન્ટ્રાક્ટ આપી નવી ભરતી કરી કંપની ચાલુ રાખી છે. દોઢ વર્ષ પૂર્વે છૂટા કરાયા બાદ જે તે સમયે આંદોલન પણ કરવામાં આવ્યું હતું. અમારી સાથે અનેક સંગઠનો પણ મદદે આવ્યા હતા. પરંતુ, અમારો પ્રશ્ન હલ થયો ન હતો. સંગઠનો એક બે વખત સાથે રહેતા હતા. ત્યારબાદ તેઓ અમારો સાથ છોડી દેતા હતા. અમને લાગે છે કે, સંગઠનોને કંપની સત્તાધીશો પૈસાના જાેરે ખરીદી લેતા હતા. આથી સંગઠનો અમારાથી દૂર થઇ જતાં હતા. હવે અમારી એક આશા સાવલીના ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદાર પાસે છે. આથી અમે ૪૮૦ કર્મચારીઓ તેમના કેતન ફાર્મ ખાતેના નિવાસસ્થાનની બહાર ભૂખ હડતાળ શરૂ કરી છે. અમે તમામ કર્મચારીઓને નોકરી ઉપર પરત લેવામાં આવે તેવી અમારી માંગ છે. જ્યાં સુધી અમોને નોકરી ઉપર પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખીશું. મહેન્દ્રભાઇ સહિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી નોકરી ન હોવાના કારણે અમારી અને પરિવારની હાલત કફોડી બની ગઇ છે. કમરતોડ મોઘવારીમા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. જાે વહેલી તકે અમને ન્યાય નહીં મળે તો અમારે આપઘાત કરવાનો વખત આવશે. ભૂખ હડતાળ ઉપર બેસેલા કર્મચારીઓને ધારાસભ્ય કેતન ઇનામદાર મળ્યાં હતાં. અને જણાવ્યું હતું કે, આગામી રવિવારે કંપનીના મેનેજમેન્ટને બોલાવી ચર્ચા કરી, યોગ્ય માર્ગ કાઢવા માટે હૈયા ધારણ આપી હતી. અને કર્મચારીઓને ઘરે જવા માટે જણાવ્યું હતું. જાેકે, કર્મચારીઓને ધારાસભ્યની વાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. આથી કર્મચારીઓએ જ્યાં સુધી પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ધારાસભ્યના ઘર આગણે ભૂખ હડતાળ ચાલુ રાખવાનો ર્નિણય લીધો છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ઘરે ભૂખે મરવા કરતાં અમો ધારાસભ્યના ઘર આગણે ભૂખે મરી જવાનું વધુ પસંદ કરીશું. કર્મચારીઓના પ્રશ્ન અંગે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી વિવાદ ચાલે છે, કંપની કહે છે કે, યુનિયન છોડીને આવે તો અમે લેવા તૈયાર છીએ. પણ કર્મચારીઓ એવુ કહે છે કે, અમે યુનિયન સાથે જ જવા તૈયાર છીએ. આ બંને વચ્ચે ગજગ્રાહ પડ્યો છે. કંપની સાથે વાટાઘાટો કરીને સમાધાન કરીશું.