આણંદ
બોરસદ તાલુકાના કોઠીયાખાડ દૂધ મંડળીમાં ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન ફરજ બજાવતા સેક્રેટરી અને ચેરમેન રૂ.૩.૪૪ લાખની ઉચાપત કરી હતી. આ બાબત ઓડિટ દરમિયાન બહાર આવતા ભાદરણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઠીયાખાડ ગામમાં આવેલી દૂધ મંડળીના વાઇસ ચેરમેન હમીરસિંહ પૂનમસિંહ પઢિયારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંડળીમાં ૧લી એપ્રિલ,૨૦૧૯થી ૩૧મી માર્ચ,૨૨ સુધીનું ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ગાળામાં મંડળીમાં મંત્રી તરીકે મોહનસિંહ ભગવાનસિંહ પઢિયાર હતાં. જાેકે, ૧૭મી જુલાઇ,૨૦૨૧માં મંડળીના અન્ય કર્મચારી હર્ષદ રમણભાઈ પઢીયારને હોદ્દો ફેર કરી નવા સેક્રેટરી નિમણૂંક કરી હતી. આ સમયે રોજમેળ ઉપર બોલતી તમામ સિલક નવા સેક્રેટરીને ચાર્જમાં આપવાની થાય છે, મંડળીના હાલના કલાર્ક અને માજી મંત્રીએ તેઓના સમયની મંડળીની ઉઘડતી સિલક રૂ.૩,૪૪,૧૪૩.૩૮ પોતાના ખાતે વાઉચરથી ઉધારી નાંખી હતી. જે અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. આમ, સેક્રેટરી મોહનસિંહ ભગવાનસિંહ પઢીયારએ કોઠીયાખાડદૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોદ્દાનો ગેરલાભ ઉઠાવી ઉચાપત કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, તે સમયે મંડળીના ચેરમેન તખતસિંહ વાઘજીભાઈ પઢીયારે પણ સહી કરી હતી. આ બાબત ઓડિટ દરમિયાન ખુલી પડી હતી. આ અંગે ભાદરણ પોલીસે મોહનસિંહ ભગવાનસિંહ પઢીયાર અને તખતસિંહ વાઘજીભાઈ પઢીયાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ હાથ ધરી છે.


