ભરૂચમાં સિવિલ રોડ ઉપર રૂપિયા એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલા રેનબસેરામાં કોન્ટ્રકટરના મોબાઈલ ધારક મજૂરો રાત્રીરોકાણ કરતા હોવાનો વિવાદ વકર્યો હતો. ભરૂચ સિવિલ રોડને અડીને રૂપિયા એક કરોડના ખર્ચે રેન બસેરાનું નિર્માણ કરાયું હતું. જેનું સંચાલન ભરૂચ પાલિકા દ્વારા સેવા યજ્ઞ સમિતિને સોપાયું હતું.
રાતે રેનબસેરામાં કોન્ટ્રકટરના મજૂરો રાતવાસો કરતા હોવાનો વિવાદ ઉઠ્યો હતો. મોબાઈલ ધારક કોન્ટ્રકટના મજૂરો રેનબસેરામાં રાતે પડાવ નાખી રહ્યા છે. જ્યારે ખરેખર બેઘર, નિરાશ્રીતોને ફૂટપાથ ઉપર જ રાત વિતાવવી પડતી હોવાને લઇ હંગામો મચી ગયો હતો.
પાલિકા મુખ્ય અધિકારી દશરથ ગોહિલે જણાવ્યું હતું કે, રેન બસેરામાં ભિક્ષુકો, ફૂટપાથ ઉપર રહેતા લોકો, નિરાશ્રીતો સહિત મજૂરોને રાતે આશરો આપવાની સરકારી જોગવાઈ છે. જે મુજબ જ તેમને રાતે રાખવામાં આવે છે.
રેનબસેરાનું સંચાલન કરતા સેવા યજ્ઞના હિમાંશુ પરીખે કહ્યું હતું કે, વિવાદને કોઈ સ્થાન નથી. સરકારી ગાઈડલાઈન મુજબ મજૂરો, ભિક્ષુકો, બેઘર, ગરીબો, વૃદ્ધોને રાત્રી આશરો અપાઈ છે. જેમને લેવા જવા માટે વાહનનો પણ ઉપયોગ કરાય છે.


