ભુજ
ભુજથી ૨૦ કિલોમીટર દૂર ખાવડા રોડ પરના સરહદી લોરીયા અને પાસેના હનુમાન નગર ગામે આવેલા ઐતિહાસિક પારેશ્વર મંદિર તથા નવ જેટલા દેવી દેવતાઓના મંદિરમાં દ્વાર પર લાગેલા તાળાં તોડી તસ્કરો મંદિર અંદરના ગર્ભ ગૃહમાંથી સિંહાસન સાથે રહેલી પારેશ્વર દાદાની પાંચ ધાતુ મિશ્રિત મૂર્તિ , ચાંદીનો ઘોડો અને વાછરા દાદાની તલવાર ચોરી ગયા હતા. તો આશાપુરા માતાજી, હિંગળાજ માતાજી ગેલોય માતાજીની મૂર્તિ પરથી સોનાનો હાર અને નાથડીઓ સહિતના વિવિધ ઘરેનાઓની ચોરી કરી ગયા હતા. કોઈ નરાધમો ૪૫૦ વર્ષ જૂની ચાંદીના ઘોડા પર બિરાજમાન પારેશ્વર દાદાની મૂર્તિ સાથેનું સિંહાસન અને માતાજીના ઘરેણાં મળી કુલ ૯ લાખ ૬૦ હજારની ચોરી કરી જતા ભાવિકોમાં આક્રોશની લાગણી ફેલાઇ જવા પામી છે. ચોરીની સાથે તસ્કરોને મૂર્તિઓને પણ નુક્શાન પહોંચાડી ખંડિત કરતાં સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આ વિશે લોરીયા ગામના અગ્રણી લખમશીભાઈ ભાનુશાલી સહિતના ૧૫૦ જેટલા ગ્રામજનોએ આજે શનિવારે સવારે માધાપર પોલીસ મથકે ઘસી આવીને ચોરીના બનાવ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ વહેલાસર ચોરીની ઘટનાને અંજામ આપનારા નરાધમોને પકડી પાડવાની માંગ સાથે લેખિત રજૂઆત પણ કરી હતી. આ વેળાએ ધનજીભાઈ ભાનુશાલી, અનિલભાઈ ભાનુશાલી, અભેયરાજસિંહ જાડેજા, અનુસુચિત ભચુભાઈ સહિતના આગેવાનો જાેડાયા હતા.
