મહેસાણા
દેશ સહિત ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક અકસ્માત થઈ રહ્યો છે અને તેમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. ત્યારે મહેસાણા નજીક આવેલા વડોસણ બાયપાસ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચતાં તે મોતને ભેટ્યો હતો, ત્યારે અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઊંઝાથી આરજે-૧૯-જીઇ-૧૬૨૭ નંબરની ટ્રક મહેસાણા થઈને છત્રાલ જઇ રહી હતી. જેમાં ડ્રાઇવર નૈનારામ અને તેનો ક્લિનર કાનારામ બંને ટ્રકમાં બેસી ઊંઝાથી નીકળ્યા હતા. જ્યાં મહેસાણા-વડોસણ બાયપાસ પર આવેલા પુલ પાસે શિવાલા સર્કલ બાજુથી આવેલી ટ્રક નં. આરજે-૧૯-સીજી-૬૯૧૯ના ચાલકે પોતાની ટ્રક વડે છત્રાલ જઇ રહેલી ટ્રકને ટક્કર મારી હતી. જ્યાં ટ્રકના કેબીનને ટક્કર વાગતાં ટ્રક ચાલક નૈનારામને અને ક્લિનર કાનારામને ગંભીર ઇજાઓ થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ટ્રકના ડ્રાઈવર નૈનારામનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનારા ટ્રકના ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.


