હોડી અને બોટોની સંખ્યાની સરખામણીમાં નાની પડતી જેટી તેમજ મત્સ્યોધોગ માટે સુવિધાઓ ઊભી કરવા અનેક રજૂઆતો બાદ સરકાર દ્વારા માંગરોળ બંદર માટે હાર્બર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજુર કરાયો હતો. જેનું ઓકટોબર, ૨૦૧૭માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સીધી દેખરેખ હેઠળ ફેઝ-૩ અંતર્ગત જુદા જુદા A, B, C, અને D પાર્ટમાં કામગીરી પૂર્ણ કરવાની થતી હતી. જેમાં A પાર્ટમાં વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન બ્રેકવોટર, ક્વે વોલ ગ્રેવિટી ટાઈપ, બ્લોક વાર્ફ વોલ, સ્લોપીંગ હાર્ડ સહિતની કામગીરીનો સમાવેશ થતો હતો. ૧૫૧ કરોડના ખર્ચે દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ કરવાની શરતે ચેન્નાઈની કંપનીને ૫/૩/૨૦૧૯માં વર્કઓર્ડર અપાયો હતો.
કામગીરી શરૂ થયાના કેટલાક માસ બાદ જ તેની ગુણવત્તા અંગે ફિશરીઝ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મુખ્યમંત્રી સહિત લાગતા વળગતાને રજુઆતો પણ કરવામાં આવી હતી. ચાર લેયરમાં બનતી જેટીમાં બંને સાઈડની દિવાલો, અંદરનું પેચિંગ તથા ટ્રેટાપોલના સપોર્ટ માટે ટેન્ડરમાં દર્શાવાયેલા વજન અને લંબાઈ ધરાવતા પથ્થરો અને મટીરીયલ ન વપરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. દરમ્યાન તાજેતરમાં દરીયામાં ઉદભવેલા સામાન્ય કરંટમાં જ જેટીની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. બ્રેકવોટર વોલમાં ગાબડું પડતા દરીયાના મોજા જેટીની આરપાર નીકળી રહ્યા છે. તો કાળમીંઢ પથ્થરો ખડકીને ઉપર તૈયાર કરવામાં આવેલો સીસીરોડ પણ મોજાની થપાટો સામે ઝીંક ઝીલી ન શકતા ભાંગીને કટકા થઈ ગયો છે. નવી જેટીની હાલત જોઈ માછીમારોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ભવિષ્યમાં વાવઝોડા કે મોટા તોફાનો સમયે માછીમારોની સલામતીનું શું ? તેવો પ્રશ્ન ઉઠાવી સરકાર દ્વારા કમિટીની રચના કરી આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ,

