ગાંધીનગર
માણસા પોલીસ મથકના ફોજદાર રાજુભાઈ પરમારની સૂચનાથી પોલીસ મથક હદ વિસ્તારમાં ચાલતી ક્રિકેટ સટ્ટાની બેટિંગ કરતાં સટોડિયાઓને ઝડપી પાડવા સ્ટાફના માણસો સક્રિય થયા હતા. ત્યારે બાતમી મળી હતી કે, માણસા કલોલ રોડ શાક માર્કેટ પાસે એક ઈસમ મોબાઇલ થકી આઇપીએલની લાઈવ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. જે અન્વયે પોલીસ દ્વારા બાતમી મુજબના કપડાં અને વર્ણન વાળા ઈસમને દબોચી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ બળવંત ઉર્ફે આર કે હરગોવિંદ પટેલ (લોદરા) જણાવ્યું હતું. બાદમાં પોલીસે તેની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનની ચકાસણી કરતાં એપ્લિકેશનના માધ્યમથી આઇપીએલ લાઈવ ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોવાનું બહાર આવતા તેની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરાઈ હતી. જેનાં પગલે બળવંત વિસનગરના બુકી દિપક પટેલ પાસેથી યુઝર આઈડી પાસવર્ડ મેળવી સાઈટોમાં લોગીન કરીને ક્રિકેટ મેચનો સટ્ટો રમતો તેમજ વિસનગરના બુકી દિપક પટેલ સાથે સીધો સંપર્કમાં રહીને હારજીતનાં પૈસાની લેવડ દેવડ કરતો હોવાની પણ વધુમાં કબૂલાત કરી હતી. આથી પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ ૧૦ હજાર ૨૦૦નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.માણસા કલોલ રોડ શાક માર્કેટ પાસે આઇપીએલની ચાલતી લાઈવ ક્રિકેટ મેચનો યુઝર આઈ ડી અને પાસવર્ડ મેળવી ઓનલાઇન સટ્ટો રમતાં સટોડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં તે વિસનગરના બુકી સાથે સીધો સંપર્કમાં રહી ઓનલાઇન હારજીતનાં પૈસાની લેવડ દેવડ કરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેનાં પગલે માણસા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
