Gujarat

માણાવદરના સરદારગઢ ખાતે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના આગેવાનોએ લમ્પી વાયરસના અટકાયતી પગલાની સમીક્ષા-નિરીક્ષણ કર્યું

 જુનાગઢ જિલ્લામાં વાયરસને ડામવા માટે તમામ અટકાયતી પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. આ માટે જિલ્લાના પશુપાલન વિભાગે ગાય વર્ગના પશુઓમાં રસીકરણને વધુ વેગવાન બનાવ્યું છે. ત્યારે લમ્પી વાયરસ સામે ખેડૂતો-પશુપાલકોના પશુઓને રક્ષણ આપવા માટે શ્રી સાવજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી તરફથી વધુ ૩૦,૦૦૦ એલએસડી રસીના ડોઝનું યોગદાન મળ્યું છે.

    જિલ્લામાં લમ્પી વાયરસની અસરને ખાળવા માટે ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી કંચનબેન ડઢાણીયા, માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નિરવ પાનસરા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી હરસુખભાઈ ગરાળા, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ડાયરેક્ટર શ્રી રાજુભાઈ બોરખરીયા  સહિતના આગેવાનો માણાવદરના સરદારગઢ ગામે આવેલી ગૌ-શાળા ખાતે પહોંચ્યા હતા. આ આગેવાનોએ પશુપાલન વિભાગના અધિકારીઓ-પશુ ચિકિત્સકો અને ગૌશાળાના સંચાલકો સાથે લમ્પી વાયરસને અટકાવવા માટે પરામર્શ કર્યો હતો. ઉપરાંત જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પનારાએ સમગ્ર જિલ્લામાં વાયરસની અસરોને ખાળવા માટે તંત્ર દ્વારા સારવાર-રસીકરણ સહિતની કામગીરીથી અવગત કરાવ્યા હતા.

આ સાથે જિલ્લાના પશુપાલકોને ગાય વર્ગના પશુઓને સત્વરે રસીકરણ હેઠળ આવરી લેવા ડો. પનારાએ અનુરોધ કર્યો હતો

      અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ શ્રી સાવજ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. તરફથી  ૩૦,૦૦૦ LSD રસીના ડોઝ યોગદાન મળ્યું હતું. આમ, સાવજ ડેરી તરફથી કુલ ૬૦,૦૦૦ ડોઝનું યોગદાન મળ્યું છે. આ સાથે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ પશુઓના રક્ષણ માટે વધુ રસીના ડોઝ આપવા માટે પણ તૈયારી દર્શાવી છે.

    આ તકે અગ્રણી શ્રી સરદારગઢ ગામ ખાતેની બન્ને ગૌશાળાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ ચપલા, શ્રી બટુકભાઈ અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Lampi-vayaras-photos-jnd-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *