ચૂંટણી પંચના સચિવ અને BELના એન્જિનિયર્સ દ્વારા EVM અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે અપાઈ તાલીમ
………..
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતી અને ચૂંટણી પંચના સચિવશ્રી મધુસુદન ગુપ્તા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
……
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વના અંગ ગણાતા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM)નું FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે EVMના FLC અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
રાજ્યના વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ/અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા FLC સુપરવાઈઝર્સને તાલીમ માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચના સચિવશ્રી મધુસુદન ગુપ્તા તથા ઉપસચિવશ્રી ઓ.પી. સહાની, ગુજરાતના અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાતાં પ્રથમ તબક્કાના FLC વર્કશૉપની અગત્યતા પર ભાર મૂક્યો.
વધુમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું કે, આ વર્કશોપમાં EVM અને VVPAT અંગેની પારદર્શિતા અને ટેકનિકલ બાબતે પંચના અધિકારીશ્રીઓ દ્વારા સમજ આપવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચના સચિવશ્રી મધુસુદન ગુપ્તા તથા ઉપસચિવશ્રી ઓ.પી. સહાનીએ EVMના મેન્યુફેક્ચરિંગ ફિચર્સ, ફર્સ્ટ લેવલ ચેકિંગ અને તે દરમ્યાન કરવામાં આવનાર સુપરવિઝન સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે સહિતનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભારત ઇલેકટ્રોનિક્સ લિ.ના એન્જિનિયર્સ દ્વારા EVM અને VVPATનું નિદર્શન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. સાથે જ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નિષ્ણાંતો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યા હતા. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અજય ભટ્ટ દ્વારા પ્રસંગોચિત સૂચનાઓ આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન રાજ્યના ૨૪ જિલ્લાઓના જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ, નાયબ/અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, FLC સુપરવાઈઝર્સ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે નવ જિલ્લાઓમાં EVM-VVPATની FLC હાલ ચાલી રહી છે, તે માટેનો વર્કશોપ ગત તા.૧૪મી જુલાઈએ યોજાયેલ હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષમાં યોજાનાર છે ત્યારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને મતદાન મથકો નક્કી કરવા સહિતની પ્રક્રિયાની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાના પાયારૂપ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે ત્યારે EVMના FLC અંગેનો વર્કશૉપ આ પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.

