સુરેન્દ્રનગર
હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં વહેલી સવારથી જ ૨૦થી વધુ મજૂરો મીઠાની થેલી ભરવાનું કામ કરી રહ્યા હતા. મીઠાની બોરી પેક કરી દીવાલના સહારે શ્રમિકો લાઈનબદ્ધ થપ્પા લગાવી રહ્યા હતા. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતાં જ દીવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેને કારણે નીચે જ બોરી ભરવાનું કામ કરી રહેલા ૨૦ જેટલા શ્રમિકો દટાતાં સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. વિશાળ દીવાલના કાટમાળ નીચે ૨૦ જેટલા શ્રમિકો દટાયા હોવાથી તાબડતોડ જેસીબીની મદદ લેવામાં આવી હતી. અત્યારસુધીમાં ૧૨ શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય કોઈ શ્રમિક દટાયેલા છે કે નહીં એની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હળવદની દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું હતું. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકનાં પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. દીવાલ પડવાની કરુણ દુર્ઘટનામાં જે ૧૨ લોકોના મોત થયા છે. તેમાં એક પરિવારના ૬ લોકો, બીજા પરિવારના ૩ લોકો અને બાકીના ૩ મૃતકો અન્ય પરિવારોના સભ્યો છે. કચ્છના રાપર તાલુકાના વાગડ પંથકમાંથી રોજી રોટી કમાવવા આવેલા સોમાણી પરિવાર પર આભ ફાટ્યું છે. જ્યારે ભરવાડ પરિવારમાં પણ ત્રણ લોકોના મોતના કારણે શોકનો માહોલ છવાયો છે. ૧૨ લોકોના મોત મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો તપાસ અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવા આદેશ કરાયો છે. દુર્ઘટનામાં જવાબદાર અંગે તટસ્થ તપાસ કરવા આદેશ કરાયો છે. તપાસ અહેવાલ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે.મોરબીના હળવદમાં આવેલા મીઠાના કારખાનામાં વિશાળ દીવાલ ધરાશાયી થતાં દટાઈ જવાથી ૧૨ શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. મીઠાની બોરીઓનું દીવાલ પર વજન પડતાં દીવાલ જમીનદોસ્ત થઈ હતી, જેને કારણે દીવાલ નીચે જ કામ કરી રહેલા મજૂરો દટાયા હતા. દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના વારસદારને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે.