ગુજરાતના મોરબી શહેરમાં તારીખ 30 ઓક્ટોબરના રોજ ગોજારી હોનારત સર્જાઈ. આ દુર્ઘટનાથી સમગ્ર વિશ્વમાં વસતા લોકોના હૈયા હચમચી ગયા છે. ઝૂલતા પુલના ટૂટવાથી ખૂબ મોટી સંખ્યામાં બાળકો તથા સ્ત્રી-પુરુષોના જીવ ગયા છે.
હાલમાં SGVP ગુરુકુલ પરિવાર અમદાવાદના સંતો-ભક્તોની સત્સંગસાધના શિબિર ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતન આશ્રમમાં ચાલી રહી છે ત્યારે મા ગંગાના પાવન કિનારે મોરબી હોનારતમાં દિવંગત આત્માઓની શાંતિ માટે તથા એમના કુટુંબીઓને ધીરજ મળે એવી હેતુથી પ્રાર્થના કરવામાં આવી.
ભાગીરથી ગંગાના કિનારે સાયં આરતી પ્રસંગે પરમાર્થ નિકેત આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય ચિદાનંદજી (મુનિજી) મહારાજ, SGVP ના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજી, પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ખૂબ મોટી સંખ્યામાં સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગવાનના નામની ધૂન,પ્રાર્થના તથા મૌન પાળીને સહુએ ભીની આંખે અને રડતા હૃદયે સહુ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.- કનુભગત

