અમદાવાદ
ચાંદખેડા વિસ્તારમાં જયેશ (નામ બદલેલ છે) નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે અને ગાંધીનગર ખાતે ડિજિટલ સ્ટુડિયો ધરાવી અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. જયેશ કેટલાય સમયથી માનસિક બેચેની અનુભવતો હતો અને પોતાને શાંતિ મળે તેના માટે યોગ થેરાપી દ્વારા તેને દૂર કરવાનું વિચાર્યું હતું. મોબાઈલમાં ફેસબુકમાં યોગ થેરાપી ધરાવતા લોકો વિશે તપાસ કરતાં તેને યોગ કરાવતા આચાર્ય બિરજુ મહારાજનું ફેસબુક પેજ જાેવા મળ્યું હતું અને તેમાંથી મોબાઈલ નંબર લઇ તેમને ફોન કર્યો હતો. બિરજુ મહારાજે તેમની સાથે વાત કરી અને ચાર-પાંચ દિવસમાં તેના યોગ સેન્ટર પર આવવા કહ્યું હતું. ચારેક દિવસ બાદ જયેશે ફોન કરતા બીજા દિવસે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ મળવા આવવા બિરજુ મહારાજે જણાવ્યું હતું. ૩૦ ડિસેમ્બરના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ જયેશ તેના બે મિત્રો સાથે શીલજ ખાતે તેમના યોગ સેન્ટર પર ગયો હતો. યોગ સેન્ટર પર પહોંચતા ત્યાં બે મહિલાઓ હાજર હતી. તેઓને બિરજુ મહારાજને મળવાનું કહેતા તેમને આજે બિરજુ મહારાજ કામમાં વ્યસ્ત છે એમ કહ્યું હતું. જયેશે મહારાજ સાથે ફોન ઉપર મારા સાથે વાત થઈ ગઈ છે એમ કહ્યું છતાં પણ વ્યક્તિએ તમે કાલે આવજાે એમ કહ્યું હતું. બીજા દિવસની એપોઇન્ટમેન્ટ લેવા માટેનું કહી અને એપોઇન્ટમેન્ટ ફીના રૂ.૧૫૦૦ ઓનલાઈન ભરવા કહ્યું હતું. જેથી જયેશે ગુગલ પે મારફતે ૧૫૦૦ રૂપિયા ફી ભરી હતી. ૩૧ ડિસેમ્બરના રોજ ફરીથી સવારે જયેશ તેના મિત્રો સાથે શીલજ ખાતે બિરજુ મહારાજના યોગ સેન્ટર પર ગયો. ત્યારે બિરજુ મહારાજ ગેટ પાસે ગાડી લઈને ઊભા હતા. જયેશ એ પોતાની ઓળખાણ આપી અને ઓનલાઈન કરેલી ફી બતાવી હતી. જેથી બિરજુ મહારાજે તેની પાસે આધાર કાર્ડ માગ્યું હતું. આધાર કાર્ડમાં અટક જાેઈ અને તેને પૂછ્યું હતું કે અટક શેમા આવે છે? જેથી જયેશએ પોતે અનુસૂચિત જાતિમાં આવતો હોવાનું કહ્યું હતું. બિરજુ મહારાજે તેને કહ્યું હતું કે, હું નીચી જાતિના માણસોને મારા યોગ સેન્ટરમાં એડમિશન આપતો નથી અને હવે ફરીથી અહીં આવતો નહીં એમ કહી અને જતા રહેવા કહ્યું હતું. યુવકે ઓનલાઈન ભરેલી ફી પણ પરત માગતા તેઓએ આપી ન હતી. ગુસ્સે થઈને ‘ફી નહિ મળે અને ફરી આવ્યો તો જાનથી મારી નાખીશ’ એવી ધમકી આપી હતી. જાતિ વિષયક શબ્દો બોલી કાઢી મૂકતા જયેશ પોતાના ઘરે પરત આવી ગયો હતો. જયેશને અપમાનિત કરતા આઘાત લાગ્યો હતો અને બીપી ઘટી ગયું હતું. જેથી ડોક્ટર પાસે પોતે સારવાર કરાવી અને બાદમાં આ મામલે બિરજુ મહારાજ સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદમાં યોગા ક્ષેત્રે નામ ધરાવતા અને ઇન્ડિયન યોગ એસોસિયેશન-ગુજરાતના ચેરપર્સન આચાર્ય બિરજુ મહારાજ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવકે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. યુવકે કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આચાર્ય બિરજુ મહારાજે ‘હું મારા યોગ સેન્ટરમાં નીચી જાતિના લોકોને યોગ માટે એડમિશન નથી આપતો’ કહી અને કાઢી મૂક્યો હતો. ઓનલાઇન ભરેલી ફી પણ તેઓએ પરત કરી ન હતી અને જાતિ વિષયક અપશબ્દો બોલી કાઢી મૂકતા યુવકને આઘાત લાગ્યો હતો અને તેને ડોક્ટર પાસે સારવાર લેવાની જરૂર પડી હતી. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે બિરજુ મહારાજ સામે એટ્રોસિટી અને ધાક ધમકીની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
