રાજકોટ
આજકાલ દેશ સહિત ગુજરાતમાં એક તરફી પ્રેમીઓ બેફામ બન્યા છે તેમાં પણ ગુજરાતમાં આવા ઘણા કેસો છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે ત્યારે જસદણ તાલુકા પંચાયત પાસે રહેતી અને કેટરર્સનું કામ કરતી ૧૯ વર્ષની યુવતીએ છેડતી અને હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં રહેતા વિશાલ પ્રાગજી પરમારનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી કેટરર્સનું કામ કરવા જતી હોય ત્યારે અવાર નવાર આરોપી પીછો કરી સતામણી કરતો હતો. ‘તું મારી ન થઈ તો હું તને કોઈની નહી થવા દઉં’ કહી વિશાલે બાવડુ પકડી તમાચા ઝીંક્યા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિશાલે યુવતીને ‘જાે મારી સિવાય ક્યાંય અન્ય જગ્યાએ લગ્ન કર્યા તો જાનથી મારી નાખીશ’ તેવું કહી ધમકી આપી હતી. પાંચ દિવસ પહેલા જસદણ શાક માર્કેટ રોડ પર બપોરના સમયે આરોપીએ ફરીયાદી યુવતીનું બાવડુ પકડી બે ત્રણ તમાચા ઝીંકી દીધા હતા. આરોપીની ધમકીથી ડરી જઈને યુવતી પાંચ દિવસ સુધી ગુમસુમ રહી હતી. બાદમાં નાનીમાને જાણ થતા હિંમત આવી વિશાલ સામે પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા ગઈકાલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.