રાજકોટ
બાળ પુરસ્કાર એવાં બાળકોને આપવામાં આવે છે, જે અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હોય અથવા જેમને ઈનોવેશન, એકેડેમિક્સ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સોશિયલ સર્વિસ, બહાદુરી સહિત અન્ય ક્ષેત્રોમાં વિશેષ ઓળખ મળી હોય.રાજકોટના દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર મંત્ર હરખાણીએ ૨૦૧૯માં અબુધાબીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલમ્પિક્સમાં સ્વિમિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આજે બાળ પ્રતિભા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર સાથે ઓનલાઈનના માધ્યમથી ૨ મિનીટ સુધી ગુજરાતીમાં વાત કરી હતી. મંત્રની માતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને મંત્રને કહ્યું કે, મંત્ર કેમ છો મજામાં ને, તું મારી સાથે શું કરીશ તો મંત્રએ જવાબ આપ્યો હતો કે, હું તમારી સાથે જલેબી-ગાંઠિયા ખાઈશ. તમે ગુજરાત આવો ત્યારે અમારા ઘરે આવજાે અને આપણે બંને સાથે જલેબી-ગાંઠિયા ખાઈશું. વડાપ્રધાને પણ મંત્રનું આમંત્રણ સ્વીકાર્યું છે. તેઓ ગુજરાત આવે ત્યારે અમે આશા રાખીએ છીએ કે, પર્સનલી મળી શકીએ. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે બાળ પ્રતિભા પુરસ્કારનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભરમાંથી દિવ્યાંગ બાળ પ્રતિભાઓ વડાપ્રધાન સાથે જાેડાઈ હતી. ગુજરાતમાંથી રાજકોટના મંત્ર સાથે વડાપ્રધાને વાત કરી હતી. બાદમાં કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે મંત્રને બાળ પ્રતિભા પુરસ્કારના રૂપે ૧ લાખ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. દર વર્ષે બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત વડાપ્રધાન બાળ પ્રતિભા એવોર્ડ આપવામાં આવે છે. મંત્રએ જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાન સાથે વાત કરી તેનાથી ખુશ છું. મંત્રીના પિતા જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, મંત્રની ઉંમર ૧૭ વર્ષની છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારથી જ અમને ખબર હતી કે, તે બોર્ન ડાઉન સિન્ડ્રોમ બોય છે. એટલે તેનો વિકાસ ઘણો ધીમો હશે. આથી અમારા આખા પરિવારે તેને સપોર્ટ કર્યો. તેને સમસ્યા છે તે તો છે જ પરતું તેની સમસ્યા ઓછી થાય તેવી અમે મહેનત કરતા જઇએ છીએ. મંત્ર જન્મથી જ દિવ્યાંગ (બોર્ન ડાઉન સિન્ડ્રોમ) છે. તે ઇન્ટરનેશનલ સ્વિમર છે. સ્પેશિયલ સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયામાં મંત્ર એક માત્ર દિવ્યાંગ સ્વિમર છે. તે ૧૦ વર્ષનો થયો ત્યારથી સ્વિમિંગની શરૂઆત કરી હતી. બાદમાં તેમને અલગથી મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૧૬ના વર્ષમાં નેશનલ ઓલમ્પિક્સમાં સિલેક્ટ થયો હતો. આ સ્પર્ધા મુંબઇમાં યોજાઇ હતી અને તેમાં તેણે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ગોવા, તેલંગાણા અને રાજસ્થાનમાં નેશનલ કેમ્પસ શરૂ થયા તે બધામાં તે બધામાં મંત્ર સિલેક્ટ થયો હતો. બાદમાં ૨૦૧૯માં અબુધાબીમાં સ્પેશિયલ ઓલમ્પિક્સ યોજાઇ હતી. ત્યારે દિલ્હીથી અબુધાબી ગયો હતો. અહીં તેણે ૧૫ મીટર બેક સ્ટ્રોકમાં એક અને ૧૫ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં એક એમ બે ગોલ્ડ મેડળ મેળવ્યા હતા. આજે વડાપ્રધાને મંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બે મિનીટ સુધી વાત કરી હતી.


