રાજકોટ
ગોંડલના સુલતાનપુર ગામે રહેતી પરપ્રાંતીય મહિલા સુક્રાંતિબેનને સારા દિવસો જતા હોય ગત ૨૭ માર્ચના રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલ ઝનાના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. અહીં સવારે ૧૦ઃ૩૦ વાગ્યે પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ નવજાત બાળકીની હાલત ગંભીર હોય તેને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી નવજાત બાળકીની તબિયતમાં કોઈ સુધારો નહીં આવતા જનેતા સુક્રાંતિબેન, પિતા કેદાભાઈ માટેજા ફૂલ જેવી બાળકીને હોસ્પિટલના બિછાને તરછોડી પલાયન થઈ ગયા હતા. બીજીબાજુ નવજાત બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ વિભાગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. પરંતુ, બાળકીના માતા-પિતાનો કોઈ પત્તો નહીં લાગતા અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જાે મેળવી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હોસ્પિટલમાં લખાવેલા સરનામાના આધારે નવજાત બાળકીના માતા-પિતાની ભાળ મેળવવા ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી સુલતાનપુરમાં રહેતા દંપતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.ગોંડલના સુલતાનપુર ગામમાં રહેતા પરપ્રાંતીય સગર્ભાને પાંચ દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ દીકરીની તબિયત લથડતા તેને સારવાર માટે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દાખલ કરી હતી. પરંતુ હાલત ગંભીર થઈ જતાં હોસ્પિટલના બિછાને રેઢી મૂકી માતા-પિતા પલાયન થઈ ગયા હતા. પરંતુ કમનસીબી એ છે કે, ફૂલ જેવી બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આથી પોલીસે બાળકીનો મૃતદેહ સંભાળી નિષ્ઠુર માતા-પિતાની સઘન શોધખોળ શરૂ કરી છે.
