રાજકોટ
અંજારમાં રેલવે સ્ટેશન પાછળના નવાનગરમાં રહેતો દેવરાજ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૬) ખોખડદળ રહેતી તેની વિધવા ભાભી જ્યોત્સના અજય પરમારના ઘરે આવ્યો હતો, દેવરાજને તેની ભાભી જ્યોત્સનાએ સિવિલ હોસ્પિટલમાં ઘવાયેલી હાલતમાં દાખલ કર્યો હતો, દેવરાજના સાથળમાં છરીનો ઘા ઝીંકાયો હતો, ધોરી નસ કપાઇ જતાં લોહી વહી જવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દેવરાજનાં મોતની જાણ થતાં અંજારથી તેના માતા મંજુબેન સહિતના પરિવારજનો આવ્યા હતા અને તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેવરાજને તેના મૃતકભાઇ અજયની પત્ની જ્યોત્સના સાથે લફરું હતું અને જ્યોત્સના અવારનવાર ફોન કરીને તેને બોલાવતી હતી, જ્યોત્સનાના ફોનથી જ દેવરાજ સોમવારે રાજકોટ આવ્યો હતો. જ્યોત્સનાએ જ દેવરાજને છરીના ઘા ઝીંકી પતાવી દીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો, જ્યારે દેવરાજને મજાક મજાકમાં છરી લાગ્યાનું જ્યોત્સનાએ રટણ રટ્યું હતું. આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે. ચાવડા સહિતના સ્ટાફે ઊંડાણપૂર્વક તપાસ કરતાં નવો જ ફણગો ફૂટ્યો હતો. દેવરાજ, જ્યોત્સના અને જ્યોત્સનાનો રાજકોટના એંસી ફૂટ રોડ પર ખોડિયારનગરમાં રહેતો ભાઇ શૈલેષ શાંતુ સોલંકી મંગળવારે બપોરે બેઠા હતા ત્યારે દેવરાજ અને શૈલેષ વચ્ચે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક શરૂ થઇ હતી, દેવરાજે થોડીવાર છરી હાથમાં રાખી હતી ત્યારબાદ શૈલેષે છરી હાથમાં લીધી હતી અને આટલીવાર લાગે તેમ કહી દેવરાજના સાથળના ભાગે છરી ઝીંકી દીધી હતી. આરોપી શૈલેષનો ઇરાદો હત્યા કરવાનો નહોતો પરંતુ છરીનો ઘા ઝીંકવાથી કોઇપણ વ્યક્તિનું મોત નીપજી શકે તે બાબત જાણતો હોવા છતાં તેણે દેવરાજને છરીનો ઘા ઝીંક્યો હતો અને ધોરી નસ કપાઇ જવાથી દેવરાજનું મૃત્યુ થયું હતું, જેથી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી શૈલેષને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.કચ્છના અંજારનો યુવક રાજકોટમાં ખોખડદળ પાસે રહેતી વિધવા ભાભીના ઘરે આવ્યો હતો, અને ભાભીના ભાઇ સાથે છરીથી શું થાય તેવી ચર્ચા અને મજાક ચાલતી હતી, તેમાં ભાઇના સાળાએ આટલી વાર લાગે તેમ કહી યુવકને સાથળમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો, જેનાથી ધોરી નસ કપાઇ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.
