રાજકોટ
રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ મસાલા માર્કેટ અને એજન્સીમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે શહેરના જૂના માર્કેટ યાર્ડમાં આવેલી રાઘવ એજન્સીમાં દરોડા પાડ્યા હતા. અહીં એજન્સીનો માલિક મૌલિક કટારિયા હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચતો હોવાનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગે દોઢ ટનથી વધુનો જથ્થો સીઝ કર્યો છે. નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકડ રાઠોડના જણાવ્યા પ્રમાણે, આ રાઈ ખાવાથી કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થળ પર ગોડાઉનમાં પ્રથમ હલકી કક્ષાની રાઈને જુદી પાડી કલર ટેન્કમાં પ્રોસેસ કરી પેક કરી વેચવામાં આવતી હતી. સ્થળ પર અંદાજિત દોઢ ટનથી વધુનો જથ્થો મળી આવ્યો છે, જેને સીઝ કરવામાં આવ્યો છે. એજન્સીમાં પાણીની ટેન્કમાં કલર મિક્સ કરવામાં આવતો હતો. બાદમાં રાઈમાં ભેળવી પેકિંગ કરવામાં આવતું હતું. આ કલર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે. આ રાઈ ખાવાથી ઝાડા-ઊલટી, પેટના રોગો, ઇન્ફેક્શન, કેન્સર થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ખાદ્ય પદાર્થ પર કોઈપણ પ્રકારનો આર્ટિફિશિયલ કલર ચડાવવો પ્રતિબંધિત છે. કયો કલર વાપરવામાં આવે છે એનું બ્રાન્ડ નામ અને લેબલ અમને જાણવા મળ્યું નથી, પરંતુ મળેલા કલરના નમૂના લઇ એનું લેબોરેટરીમાં એનાલિસિસ કરાવીશું. ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા નાના મોવા સર્કલ પાસે આવેલી શ્રી રામ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જીવાત અને ફૂગવાળાં મરચાં મળ્યાં હતાં. ૩,૬૦,૦૦૦ રૂપિયાની કિંમતનો ૩ ટન જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ મરચા-પાઉડરમાં કેમિકલયુક્ત ઓઈલબેઝ કલર મળ્યો હતો. આ અંગે મનપાએ માલિકને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ જથ્થો ગોંડલથી મગાવી જુદા જુદા માર્કેટમાં વેચતો હતો. સ્થળ પર અંદાજિત ત્રણ ટન જથ્થો મળ્યો હતો. આ વેપારી દ્વારા ૧૦૦થી ૧૫૦ રૂપિયાના ભાવે મસાલો સસ્તા ભાવે ખરીદ્યો હતો. વેપારી દ્વારા ૧૭૦થી ૧૮૦ના ભાવે લારી-ગલ્લા તથા મસાલા માર્કેટમા મસાલો વેચતો હતો.
