રાજકોટ
હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે પેલેસ રોડ સ્થિત આશાપુરાનાં મંદિરે સવારસાંજ સેંકડો ભાવીકોમાંના દર્શને આવી રહયા છે. સાડા નવથી ૧૦ દરમ્યાન આશાપુરા મંદિરની નજીક જ બે ગાયો એક-બીજા સાથે લડી રહી હતી ત્યારે રાહદારીઓ અને મંદિરે આવતા દર્શનાર્થીઓમાં લડતી ગાયોથી બચવા માટે ભાગાદોડી મચી ગઇ હતી. જાેકે આ દરમ્યાન એક નાના બાળક સહીત ૩ લોકોને ગાયે શિંગડે ચડાવ્યા હતા. જેમાં નરેશભાઈ શાહ નામનાં એક નાગરીકને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ખસેડાયા હતા. જયારે સોની બજારમાં કામ કરતા એક બંગાળી કારીગર અને એક નાના બાળકને મુંઢમાર જેવી ઇજા થતા પ્રાથમીક સારવાર લેવી પડી હતી. લડતી ઝઘડતી ગાયો એક ચપ્પલની દુકાનમાં ઘુસી જતા આસપાસની દુકાનોમાં પણ અફરાતફરી મચી હતી. અમુક સ્થાનીક દુકાનદારોએ મહામહેનતે ગાયોને લડતી ઝઘડતી છોડાવી રાહદારીઓને બચાવ્યા હતા. આવનાર દિવસોમાં રસ્તે રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બનવાની છે એવુ જાણતા શહેરીજનોમાં અત્યારથી ભયની લાગણી વ્યાપી ગઈ છે.રખડતા ઢોર મામલે વિધાનસભામાં કાયદો પસાર થાય એ પહેલા જ ગાયોના રખેવાળો એ મચાવેલા હોહંગામા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસ્તાવિત કાયદાની અમલવારી હાલ પુરતી મોકુફ રાખી છે. શહેરોમાં છેવાડાના વિસ્તારોને છોડીને રખડતા ઢોરોએ શહેર મધ્યે ત્રાસ વર્તાવવાનું શરૂ કર્યું અને વર્ષો થઈ ગયા ધીમે ધીમે આ સમસ્યા વકરતી ગઈ. અલબત કોર્પોરેશન કે નગરપાલીકા આ બાબતે સમયાંતરે કરતી ઢોર પકડ કામગીરી અસરકારક ન રહેતા ઢોરોનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે. ત્યારે રાજકોટનાં હાર્દસમા અને સતત ટ્રાફીકથી ધમધમતા રહેતા પેલેસ રોડ પર બે ગાયોએ શીંગડા ભરાવતા ૩ નાગરીકોને હડફેટે લઈ ઇજા પહોંચાડી હતી.
