રાજકોટ
ખોડલધામ કાગવડ ખાતે આજે ભવ્ય પંચવર્ષીય પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા ૯ લાખ મમરાનો હાર અર્પણ કરવામાં આવશે. મમરાના હારમાં એક મમરામાં એક એક શબ્દ સ્કેચપેનથી લખવામાં આવ્યો છે અને એકથી આઠ સુધીના મમરામાં ‘ભક્તિ દ્વારા એકતાની શક્તિ-જય મા ખોડલ’નું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું છે. ૩૦ મહિલાઓએ રોજિંદા ૬ કલાકનું કામ કરીને ૨૦ દિવસની મહેનતના અંતે ૯ લાખ મમરાનો ‘ભક્તિ દ્વારા એક્તાની શક્તિ-જય મા ખોડલ’ ના સૂત્રના લખાણ સાથે મમરાનો હાર તૈયાર કર્યો છે. ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને ૨૧ જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યૂઅલી યોજાશે. સમાજના લોકો દ્વારા શહેરની જુદી જુદી સોસાયટીઓ અને ગામેગામ ૧૦ હજારથી વધારે એલઇડી સ્ક્રીન, ટી.વી અને પ્રોજેક્ટર મૂકીને આ મહોત્સવના સાક્ષી બનશે અને મહોત્સવ નિહાળશે. આ ઉપરાંત જુદી જુદી ધાર્મિક ચેનલોમાં પણ વર્ચ્યૂઅલ પાટોત્સવનું જીવંત પ્રસારણ કરાશે. બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલના રાજકારણમાં આવવાની સમાજની ઇચ્છાને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે આજે નરેશ પટેલના સમાજ જાેગ સંદેશા પર સૌની નજર રહેલી છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ખોડલધામના સ્ટેજ પર ક્યારેય રાજકારણ નહિ કરે ત્યારે આ સમાજના સંદેશામાં લેઉવા પાટીદાર સમાજને એક થવાનો અને અન્ય સામાજિક સુધારાના સંદેશાઓ આપી શકે છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી પણ લાખો ભાવિકો આ ઓનલાઈન પાટોત્સવમાં જાેડાશે. નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે ૬ થી ૯ વાગ્યા સુધી એક કુંડી મહાયજ્ઞનું આયોજન થશે ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે. બાકીના લોકોને વર્ચ્યૂઅલ જાેડાવા વિનંતી કરી છે. આ કાર્યક્રમ બાદ સવારે ૯ થી ૧૦ વાગ્યે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા સમાજ જાેગ સંદેશો અપાશે જેના પર સૌ કોઈની નજર છે. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર ૧૦૦૦૮ થી વધુ સ્થળે આરતીનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેંગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરાશે. યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ મા ખોડલની આરતી કરાશે.


