મંત્રી: પૂર્ણેશભાઇ મોદી
કવાંટ ખાતે રૂા. ૨૨૦.૪૭ લાખના
ખર્ચે નવનિર્મિત થનાર બસસ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયુ
રાજય સરકારે રાજયના સાડા બાર લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બસ પાસ આપી શકાય એ માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે એમ રાજયના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રૂા. ૨૨૦.૪૭ લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મોદીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે કટિબદ્ધ છે એમ જણાવી તેમણે રાજયના નાગરિકોના હિતમાં રાજય સરકાર ખોટ ખાઇને પણ એસ.ટી.બસોનું સંચાલન કરે છે એમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે એસ.ટી. નિગમ દ્વારા ૨૩૦૦ કંડકટર અને ૨૩૦૦ ડ્રાઇવરોની ભરતી કરવામાં આવી હોવાનું જણાવી રાજયના સાત શહેરોમાં એરપોર્ટ સમકક્ષ સવિધા ધરાવતા બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જયારે આગામી સમયમાં ૯ શહેરોમાં બસ પોર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણ દિવાળીના તહેવાર નિમિત્તે રાજયના ૯૫૫૩૯ નાગરિકોએ ઓનલાઇન એસ.ટી.બસ ટિકીટોનું બુકીંગ કરાવી એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક પ્રવાસનધામ બનાવવા માટે ચોતરફી કનેકટીવીટીથી જોડવામાં આવી રહ્યું છે એમ ઉમેર્યું હતું.
આ ઉપરાંત તેમણે રાજયના આદિજાતિ વ્યક્તિઓ કે જેઓ ભગવાન શ્રીરામના દર્શને અયોધ્યાના પ્રવાસે જવા માંગતા હોય તેમને સરકાર દ્વારા રૂા. ૫૦૦૦ની સબસીડી આપવામાં આવશે એમ કહી તેમણે રાજયના નાગરિકોને રોજગારી મળી રહે એ સરકારની પ્રાથમિકતા છે એમ ઉમેરી તેમણે રૂા. ૨૪૦૦ કરોડના ખર્ચે ૧૮૩૬ કિલોમીટરનો કોસ્ટલ હાઇ-વે તેમજ રૂા. ૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર ખાતે કાર્ગો એરસ્ટ્રીપનું નિર્માણ કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું.
રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી. નિમિષાબેન સુથારે આ વેળાએ જણાવ્યું હતું કે, અમારી આ સરકાર પ્રજા વચ્ચે રહીને કામ કરનારી સરકાર છે જે જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતા નિભાવે છે એમ જણાવી તેમણે નિરામય ગુજરાત અંતર્ગત બિન ચેપી રોગોનું નિદાન કરાવી હેલ્થ કાર્ડ બનાવી લેવા અનુરોધ કરી આદિવાસી સમાજના બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ મળે એ માટે ૨૫ નવી શાળાઓ શરૂ કરવામાં આવશે એમ જણાવી તેમણે ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેલિમેડીસીનની સુવિધા શરૂ કરવામાં આવશે એમ ઉમેર્યું હતું.
છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાંથી અલગ છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ જિલ્લાનો ખૂબ સારો વિકાસ થઇ રહ્યો છે એમ જણાવી તેમણે કવાંટ નગરમાં એસ.ટી. ડેપોની સુવિધા મળે એવી વર્ષોથી માંગ હતી જે પુરી થતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જનતાને પણ લાભ થશે એમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે છોટાઉદેપુર સ્ટેટ વખતનો બ્રિજ તુટી જતા તેના સ્થાને રૂપિયા દસ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે એમ કહી તેમણે નલ સે જલ યોજના અંતર્ગત કવાંટ તાલુકાના તમામ ગામોને પાણી આપવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વિભાગીય નિયામક એસ.પી.માત્રોજાએ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, માજી સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, ગામના સરપંચ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


