જામનગર
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો બે દિવસ માટેનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનો પ્રવાસ યોજાયો છે. તે દરમિયાન રાષ્ટ્રપતિને સુરક્ષા પૂરી પાડવાના ભાગરૂપે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ પર આવી ગયું છે અને જામનગર શહેર અને જિલ્લાના કુલ ૧૪૩૫ જેટલા અધિકારીઓ અને પોલીસ જવાનો ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. જેમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિત ૩ ડીવાયએસપી તેમજ ૮૦ જેટલા પી.આઈ, પી.એસ.આઇ અને એ.એસ.આઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો વગેરે સુરક્ષા વ્યવસ્થામાં જાેડાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિમાન માર્ગે જામનગરના એરપોર્ટ પર આવ્યા પછી સૌપ્રથમ વખત તેઓ વિમાનમાર્ગે દેવભૂમિ દ્વારકા જશે. જ્યાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જામનગરના એરપોર્ટ પર આવશે. જ્યાંથી તેઓ મોટરમાર્ગે જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. તેમના કાફલાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે રાષ્ટ્રપતિનો કાફલો એરપોર્ટ પરથી સીધા જામનગર સર્કિટ હાઉસ તરફ આવે તે માટે માર્ગ પર મહાનગરપાલિકા દ્વારા અનેક નાના-મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. સાથોસાથ રસ્તા પરથી રેકડી કેબિનો અને માર્ગ પર પડ્યા રહેલા વાહનો વગેરેને ખસેડી લેવામાં આવ્યા છે. ઉપરાંત માર્ગ પર સ્પીડ બ્રેકર પણ દૂર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર માર્ગ પર સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિના ૨૪મીના રોકાણ પછી બીજા દિવસે તારીખ ૨૫મી માર્ચના દિવસે વાલસુરાના પ્રેસિડેન્ટ કલર એવોર્ડમાં ઉપસ્થિત રહેશે અને ૨૮ વર્ષથી ઉત્તમ સેવા બદલ ભારતના પ્રમુખ નો સેના સંસ્થાના આઈ.એન.એસ વાલસુરાને રાષ્ટ્રપતિ નિશાનનો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરશે. જ્યારે રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નેવલ સ્ટાફ ના વડા એડમિરલ આર. હરી કુમાર સહિતના મહાનુભાવો પણ જાેડાશે. જ્યારે એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત ૧૫૦ નેવીના જવાનો પરેડ કરીને રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે.જામનગરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી ૨૪ અને ૨૫ માર્ચના બે દિવસ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ પર આવી ગયું છે અને બોમ્બ સ્કોવોર્ડ, ડોગ સ્કોવોર્ડ, સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે પોલીસ તંત્ર ઉપરાંત જામનગર મહાનગર પાલિકાનું તંત્ર અને જિલ્લાનું વહીવટીતંત્ર પણ તડામાર તૈયારીઓમાં જાેડાયું છે.
