કલેક્ટર શ્રી રચિત રાજે વિચરતી જાતિના ૬૨ પરિવાર માટે કાયમી વસવાટ માટે પ્લોટ ફાળવણીના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ અને હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો. આમ, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સુધી એક સાથે અનેક લાભ પહોંચાડી સુશાસન સપ્તાહની સાર્થક ઉજવણી કરી હતી.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સેવાકીય પ્રકલ્પમાં ૨૮ લાભાર્થીઓને વૃદ્ધ સહાય યોજના, ૧૮ને નિરાધાર વૃદ્ધ સહાય, ૨૨ને વિધવા સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.. ઉપરાંત ૩૪ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ૧૧૩ જેટલા ઈ-શ્રમ કાર્ડ અને ૯૭ લાભાર્થીઓને પિંક કાર્ડ અને ગ્રે કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. આ સાથે ૨૭૮ લોકોએ હેલ્થ ચેકઅપ અને આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિચરતી જાતિના લોકોને વ્યસનોમાંથી બહાર લાવવા માટે તેમને ધૂમ્રપાન અને અન્ય ઝેરી વ્યસનોના ગેરફાયદા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે જ વ્યસન મુક્તિ માટે કાઉન્સેલિંગ કરવા માટે ડોક્ટર દ્વારા નિયમિતપણે સાપ્તાહિક ગામોની મુલાકતો પણ લેશે. આમ, નશા મુક્તિ જાગૃતિ અભિયાન ચલાવી તેમને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે કામગીરી કરવામાં આવશે.
સુશાસન સપ્તાહની પ્રશાસન ગાંવ કી ઓરની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ નાગરિકો સુધી સરળતાથી વિવિધ યોજનાઓ અને સેવાઓ પહોંચાડવાની નેમ સાથે કલેક્ટર શ્રી રચિત રાજ દ્વારા સતત નવી પહેલ અને આયોજન કરવામાં આવ્યાં છે.


