વડોદરા
વડોદરાના ન્યાયમંદિરમાંથી કોર્ટનુ સ્થળાંતર થતા તે ખાલી પડી રહેતા તેમા ધૂળ કચરો અને ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. બારીઓના કાચ તૂટવા માંડ્યા છે. ખંડેર થવાની શરુઆત થતા નવચેતના ફોરમે કલેકટર, મેયર સ્થાયી અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર થકી મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ધારાસભ્યોને રજૂઆત કરી હતી. લોકડાઉન પહેલા હજ્જારો નગર જનોની સહીઓ કરી આ ઐતિહાસિક સ્થાપત્યની મહારાજા સયાજીરાવ નિર્મિત ભવ્ય અજાેડ ઈમારતની યોગ્ય જાળવણી માટે તેમા બરોડા સીટી મ્યૂઝિયમ બનાવવા રજૂઆત કર્યા બાદ તા.૨૧જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રુબરુ આવી ભાજપના સૌ હોદ્દેદારો, ધારાસભ્યોની હાજરીમા ન્યાયમંદિરનો ચાર્જ કલેકટરને આપ્યો હતો. જે હાલ મ્યુનિસિપલ કમિશનર છે. સેવાસદનની નવી ચૂંટાયેલી પાંખે મ્યૂઝિયમ બનાવવા હજુ સુધી રાજ્ય સરકારની મંજૂરી લેવા સઘન પ્રયત્ન ન કરતા ન્યાયમંદિર ફરી ખંડેર થઈ રહ્યુ છે. ચોમાસા દરમ્યાન લહેરીપુરા દરવાજાની છત તૂટી પડી છે. શહેરની શાન અને શોભા એવા માંડવીના પિલરમા પણ તિરાડો પડી છે.પોપડા ઉખડ્યા છે. ત્યારે વિરાસતોની જાળવણીની શાસકો દ્વારા ઘોર ઉપેક્ષા થતા નવચેતના ફોરમ દ્વારા ૨૭ ફેબ્રુઆરીને ધરણાનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. ન્યાય મંદિર ઇમારતમાં મ્યૂઝિયમ બનાવવાનું આયોજન છે. પરંતુ, રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી નથી. અને ન્યાય મંદિર, માંડવી, લહેરીપુરા દરવાજા સહિત ઐતિહાસિક ઇમારતોના સમારકામ માટે આવનાર દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે.મળેલી માહિતી મુજબ ઐતિહાસિક ઇમારતોની જાળવણીનો વિભાગ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે છે. આ બાબતે તેઓની પ્રતિક્રિયા લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, થઇ શક્યો નથી. નોધનિય છે કે, મહેસુલ મંત્રી વડોદરા શહેરના ધારાસભ્ય છે.ઐતિહાસિક ઇમારતો માટે દેશ-વિદેશમાં ખ્યાતિ પામનાર વડોદરા શહેર હવે તંત્રની બેદરકારીના પગલે પોતાની ઓળખ ગૂમાવી રહ્યું છે. તંત્રની બેદરકારી અને સારસંભાળના અભાવે વડોદરાએ વિરાસત ગૂમાવવાની સાથે ઐતિહાસિક ઇમારતોને ખંડેર થવા તરફ દોરી છે. જેમાં શહેરની મધ્યમાં આવેલી ન્યાય મંદિર કોર્ટ, માંડવી, લહેરી પુરા દરવાજાના કાંગરા ખરી રહ્યા છે.તંત્ર દ્વારા હજુ પણ આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો, આ ઐતિહાસિક કોર્ટ ઇમારતો ભૂતકાળ બની જશે.
