વડોદરા
વડોદરા મહાનગર પાલિકાની વ્હીકલ પુલ શાખાના ડ્રાઇવર કર્મચારીઓને નિયમિત પગાર ન મળતા સવારથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતરી જતા સવારની કામગીરી ઉપર અસર પડી હતી. ડ્રાઇવર એસોસિએશને આક્ષેપ કર્યો હતો કે, મેયર સહિતના હોદ્દેદારોના વાહનો ચલાવતા ડ્રાઇવરોને કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિત પગાર આપી દેવામાં આવે છે. જ્યારે બાકીના ડ્રાઇવરોને પગાર માટે ટટળાવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયન પ્રમુખ જયેશ સોલંકીની આગેવાનીમાં વ્હીકલ પુલ શાખાના ૩૫૦થી વધુ ડ્રાઇવર બાકી વેતન મુદ્દે આજે હડતાળ પર ઉતરી ગયા છે. તેમણે વ્હીકલ પુલ શાખા ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે નજર અંદાજ કરતાં કોન્ટ્રાક્ટર અને સત્તાધિશો વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ કરી દેવામાં આવે છે, પરંતુ, તેના નીતિ નિયમો પ્રત્યે કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવતા અધિકારીઓ પદાધિકારીઓ આંખ આડા કાન કરે છે. ૧૦ તારીખ સુધીમાં વેતન ચુકવવાનો ઉલ્લેખ છે. મે મહિનાનું વેતન હજુ સુધી મળ્યું નથી. આ ઉપરાંત પાંચ ડ્રાઈવરના સપ્ટેમ્બર માસના વેતન બાકી છે. આમ વેતન મુદ્દે વ્હાલા-દવલાની નીતિ થતા કેટલીક બાબતે અમે શ્રમ આયોગનો દરવાજાે પણ ખટખટાવ્યો છે. જેથી અમારી રજૂઆત છે કે, સૌપ્રથમ અમારું વેતન આપવામાં આવે ત્યારબાદ કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન રકમ ચૂકવે. ટેન્ડરમાં દર્શાવેલી શરતોનું પાલન થાય. હાલ કોન્ટ્રાક્ટર માત્ર ૮ હજાર વેતન ચૂકવે છે.
