વડોદરા
નવરાત્રિના પ્રથમ દિવસે રાત્રે દીકરીને લઈને ગરબા જાેવા માટે ઘરેથી નીકળી રહેલા સીઆઈએસએફના મહિલા પીએસઆઈને પતિ તથા સાસુએ ઝઘડો કરીને માર માર્યો હોવાનો કિસ્સો પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. હરણી પોલીસે મહિલા પોલીસ અધિકારીની ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ૧૦ દિવસ પહેલાં પણ મહિલા પોલીસ અધિકારી પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ, પોલીસ અધિકારીએ દાંપત્ય જીવન તૂટી ન જાય તેવા આશય સાથે સમજાવતા મહિલા પોલીસ અધિકારીએ ફરિયાદ કરી ન હતી. હરણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રતિમાબહેન (નામ બદલ્યું છે) હરણી વિસ્તારમાં બે બાળકો સાથે રહે છે. અને વડોદરામાં સીઆઈએસએફ મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. ૯ વર્ષ પહેલાં તેમના લગ્ન પંકજ સુરેન્દ્રકુમાર પંત સાથે થયા હતા. તેઓ અમદાવાદમાં નોકરી કરતા હતા. ત્યારે વર્ષ-૨૦૨૨માં તેમના પતિ પંકજ પંત મારામારી કરી ઝઘડો કરી જતા રહ્યા હતા. ત્યારથી પ્રતિમાબહેન પોતાના બે બાળકો સાથે એકલા રહે છે. અમદાવાદમાં એકલી રહેતી હતી, ત્યારે પણ પતિ અવારનવાર ઝગડો કરતા હતા. જેથી અમદાવાદ પોલીસ મથકમાં પણ પતિ વિરૂદ્ધ અરજી આપી હતી. દરમિયાન વર્ષ-૨૦૨૧માં વડોદરા ખાતે બદલી થતા વડોદરા હરણી વિસ્તારમાં બે બાળકો સાથે રહે છે. દરમિયાન પતિ પંકજ પત્ની પ્રતિમાબહેનને શોધતા વડોદરા આવી પહોંચ્યા હતા. અને એપ્રિલ-૨૦૨૨થી સાથે રહે છે અને પતિ સાથે સાસુ હિનાબહેન (નામ બદલ્યું છે) પણ રહે છે. વડોદરા આવ્યા બાદ પતિ પંકજ અને સાસુ હિનાબહેન પુનઃ નાની નાની બાબતે ઝઘડો કરી શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ અને પતિ સાથે માર મારતા હતા. પરંતુ, બદનામીના કારણે તેઓનો ત્રાસ સહન કરી રહ્યા હતા. ૧૦ દિવસ પહેલાં પણ પતિ અને સાસુએ ભેગા મળીને સીઆઈએસએફના મહિલા પીએસઆઈ પ્રતિમાબહેનને માર માર્યો હતો. પ્રતિમાબહેન પતિ અને સાસુ વિરૂદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયા હતા. પરંતુ, પોલીસ અધિકારીએ તેઓનું કાઉન્સેલિંગ કરી સમજાવતા ફરિયાદ કરી ન હતી. દરમિયાન તા. ૨૬-૯-૦૨૨ના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે સીઆઈએસએફના મહિલા પીએસઆઈ પ્રતિમાબહેનને તેમની દીકરીએ ગરબા જાેવા જવા માટે જીદ કરી હતી. જેથી પ્રતિમાબહેન દીકરીને લઈને ગરબા જાેવા માટે જઇ રહ્યા હતા, ત્યારે પતિ પંકજ પંત અને સાસુ હિનાબહેને ઝઘડો કરી, અપશબ્દો બોલીને માર માર્યો હતો. આમ અવાર-નવાર ઝઘડા કરી ત્રાસ ગુજારી રહેલા પતિ પંકજ પંત અને સાસુ હિનાબહેન પંત સામે સીઆઈએસએફના મહિલા પીએસઆઈ પ્રતિમાબહેને હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હરણી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


