Gujarat

વડોદરામાં પાદરામાં ૧૨૩ લોકોને થયુ ફૂડ પોઈઝનિંગ, કલેક્ટરે હેલ્થ ટીમને રાખી સ્ટેન્ડબાય

પાદરા
વડોદરા જિલ્લાના પાદરામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે. પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં પ્રસાદ ખાવાના કારણે બાળકો સહિત ૧૨૩ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં અફરા-તફરી મચી ગઇ હતી. પ્રસાદ ખાવાના કારણે તબિયત બગડતા તમામને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની હાલત ખરાબ હતી, તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું. આ બનાવની જાણ થતાં વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જાેકે, તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી. પાદરાના ગોવિંદપુરા ખાતે હોમિયોપેથીક ડો. અબુબકર અલીકત સૈયદ દ્વારા ધાર્મિક નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગમાં બનાવવામાં આવેલા પ્રસાદ ખાવાથી ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. ૧૨૩ જેટલા અનેક લોકોની તબિયત બગડી હતી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. એક પછી એક બાળકો સહિત મોટા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. પાદરા સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પાદરાની હોસ્પિટલનો માર્ગ એમ્બ્યુલન્સની સાઇરનો, તેમજ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓની ગાડીઓથી ગૂંજી ઉઠ્‌યો હતો. મળેલી માહિતી પ્રમાણે કેટલાક અસરગ્રસ્તોને ડભાસા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને પાદરાની અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ ટીમો ત્વરિત કામે લાગી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા પ્રાંત ઓફિસર સહિત ટી.ડી.ઓ તથા નગર પાલિકા સહિત તાલુકા હેલ્થ ઓફિસર અને મામલતદાર પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં વડોદરા જિલ્લા કલેકટર પણ પાદરા સરકારી દવાખાને દોડી ગયા હતા. તે સાથે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પણ દોડી ગયા હતા. ફૂડ પોઈઝનિંગ બનાવ સમયે સ્થાનિક યુવાનો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ દોડી ગયા હતા. પાદરા તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિમલકુમાર સિંઘે જણાવ્યું હતું કે, પાદરાના ગોવિંદપુરા ખાતે હોમિયોપેથીક ડો. અબુબકર અલીકત સૈયદને ત્યાં પ્રસંગ હતો. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગમાં ખીરનો પ્રસાદ રાખવા આવ્યો હતો. ખીર ખાવાના કારણે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અસરગ્રસ્તોને તુરંત જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. આ ગંભીર બનાવના કારણે પાદરા ખાતે સરકારી દવાખાનાના ૬ મેડિકલ ઓફિસર સહિત આસપાસની પી.એચ.સી ની એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પાદરા તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ફૂડ પોઈઝનિંગની ૧૨૩ લોકોને અસર થઈ હતી. પરંતુ, તમામની હાલત સ્ટેબલ છે. રાતે દાખલ દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરશે. સાથે બનાવ બનેલા અસરગ્રસ્ત ગોવિંદપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવશે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *