સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. તો ૨૪ કલાકમાં જીલ્લાના વિજયનગરમાં પોણા છ ઇંચ, તલોદમાં ચાર ઈંચ, હિંમતનગરમાં ચાર ઇંચ વરસાદ, ઇડરમાં પોણા ચાર ઇંચ, પોશીનામાં પોણા ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ, વડાલીમાં એક ઇંચ, ખેડબ્રહ્મામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે ભારે વરસાદની આગાહી વચ્ચે સાંજે વરસાદ શરુ થયો હતો. રાત્રી દરમિયાન વરસાદ વરસતા હિંમતનગર, તલોદ, ઇડર, વિજયનગર અને પ્રાંતિજમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના બનાવો સામે આવ્યા હતા. વિજયનગરમાં ૨૪ કલાકમાં પોણા છ ઇંચ વરસાદ વરસતા સરસવ ગામ નજીક પસાર થતી હરણાવ નદી કે જે પાણી વણજ જળાશયમાં જાય છે તે નદીમાં રાત્રી દરમિયાન ઉપરવાસ અને વિજયનગરમાં વધુ વરસાદને લઈને પાણી આવ્યું હતું. જેથી સરસવ ગામના રોડ અને નજીક આવેલ શાળાના મેદાનમાં પાણી ફરી વળ્યું હતું. દરમિયાન સવારે વરસાદે વિરામ લેતા નદીમાં પાણી ઉતરતા શાળાના મેદાનમાંથી પાણી ઓસરી ગયું હતું. હિમતનગરના લીખી ગામના રતનસિંહ પરબતસિંહ ચૌહાણ સાંજે ખેતરે ગયા હતા. જે પરત આવતા લીખી અને સુરપુર વચ્ચે વાઘામાંથી પસાર થતા અચાનક પાણીનો પ્રવાહ આવતા તે પાણીમાં તણાઈ ગયા હતા. જે અંગે ગામમાંથી હિંમતનગર ડિજાસ્ટર વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને ડિજાસ્ટર વિભાગે હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોચ્યું હતું. પરંતુ રાત્રી હોવાથી શોધખોળ બાદ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. સવારે ૮ વાગ્યાથી શોધખોળ હાથ ધરતા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. તેવું હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લીખી આજુબાજુના ગામો ડુંગરોનું પાણી અને ખેતરોનું પાણી આ વાઘામાં થઈને ગુહાઈ જળાશયમાં જાય છે. સારા વરસાદને લઈને જીલ્લાના ગુહાઇ જળાશયમાં ૩૧૧૮ ક્યુસેક, હાથમતી જળાશયમાં ૮૪૦૦ ક્યુસેક, હરણાવ જળાશયમાં ૧૦૦૦ ક્યુસેક, ખેડવા જળાશયમાં ૨૩૦ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. તો જવાનપુરા બેરેજમાં ૧૪૫૫ ક્યુસેક આવક ૧૪૫૫ ક્યુસેક જાવક નોધાઇ હતી. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ઇડર ૯૪ મીમી, ખેડબ્રહ્મા ૨૦ મીમી, તલોદ ૧૦૭ મીમી, પ્રાંતિજ ૫૮ મીમી, પોશિના ૬૬ મીમી, વડાલી ૨૫ મીમી, વિજયનગર ૧૪૨ મીમી અને હિંમતનગર ૧૦૪ મીમી વરસાદ નોંધાયો હતો. હિંમતનગર હાથમતી નદીમાં ચોમાસાની સિઝનમાં મધરાત બાદ પાણી આવ્યું હતું. જેને લઈને હિંમતનગરથી મહેતાપુરા અને હિંમતનગરથી ભોલેશ્વર ડીપ બ્રીજ પર પાણી વહેતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યું હતો.
