આજસુધી દાન કે ભેટ સ્વીકારાયાં નથી છતાં અન્નનો તૂટો આવ્યો નથી
વિશ્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેને આજે મહા સુદ બીજના દિવસે 202 વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાના પ્રપૌત્ર જયસુખરામબાપાએ 22 વર્ષ પહેલાં મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કર્યું હતું. મંદિરમાં કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યાં વગર પણ 22 વર્ષથી સદાવ્રત ચાલે છે. વર્ષે જલારામબાપાના સદાવ્રતમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે, પણ હજી સુધી સદાવ્રતના અન્નના ભંડારમાં ક્યારેય ઊણપ આવી નથી. દાન વગર સદાવ્રત ચાલી રહ્યું છે ત્યારે ભોજન સામગ્રી ક્યાંથી આવી રહી છે એ આજે પણ એક રહસ્ય છે.
આજનો યોગ પણ અનોખો બન્યો છે. જેમાં ગુજરાતી મહિના મુજબ મહાસુદ બીજ છે અને તારીખ પણ 2 અને મહિનો પણ બીજો ચાલી રહ્યો છે અને વર્ષ 2022 છે ત્યારે જલારામ ધામમાં ચાલતા અન્નક્ષેત્રને આજે 202 વર્ષ પૂર્ણ થયા છે. આ સંયોગને લઈને અમરેલીના ફતેપુરથી પૂજ્ય ભોજલરામ બાપાની જગ્યાના મહંત પૂજ્ય ભક્તિરામ બાપા પણ પોતાના પરિવારજનો સાથે વીરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા તેમજ મહાપ્રસાદ લેવા માટે વીરપુર પધાર્યા હતા
22 વર્ષ પહેલાં મહાસુદ બીજના સુવર્ણ દિવસે વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે નિર્ણય લીધો હતો કે મંદિર દ્વારા એકપણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહીં આવે. આવો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય એવા નિર્ણયને 22 વર્ષ પૂર્ણ થઈ ગયાં, પણ સદાવ્રત અવિરતપણે ચાલુ જ છે. આ 22 વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે છતાંય હજુ વીરપુરમાં મંદિર દ્વારા પહેલાંની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે.
વિશ્વભરમાં અલગ-અલગ સંપ્રદાયો દ્વારા ચલાવાતા સદાવ્રતો માટે આ એક અજબની મિસાલ છે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી તેમના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાનાં સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને તેમના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. આજે પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ 202 વર્ષ થયાં છે
હરેશ ભાલીયા જેતપુર


